આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ ન આવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો આદેશ આવતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ફરજ બજાવતા પુરુષ આરોગ્ય કાર્યકર(MPHW), સ્ત્રી આરોગ્ય કાર્યકર (FHW), મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેઈલ હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર, તાલુકા હેલ્થ વિઝિટર તથા જિલ્લા કક્ષાના સુપરવાઈઝર સહિત આરોગ્ય કર્મચારીઓ ગઈકાલ બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓના ગ્રેડ પે, રજા પગાર, ઉચ્ચતર પગાર ધોરણ જેવાં પ્રશ્ર્નો અંગે સરકાર સમક્ષ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આ અંગે સરકાર દ્વારા પણ લેખિતમાં બાહેંધરી આપી હતી કે આ પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે પરંતુ આ માગણીઓ ન સંતોષાતા નાછૂટકે કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાતની સાથે સાથે દેવભૂમિ દ્વારકાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. હાલ વરસાદની ઋતુમાં રોગચાળા નિયંત્રણની કામગીરી તેમજ કોવિડ રસીકરણની કામગીરીને પણ અસર થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.