શાનદાર પ્રદર્શન સાથે ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત કરી

ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનું અભિયાન શાનદાર જીત સાથે શરૂ કર્યું છે. ભારતીય ટીમે 20 ફેબ્રુઆરીના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજિત કર્યું. ભારતીય બોલરો અને બેટર્સે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેમાં મોહમ્મદ શમીની 5 વિકેટ અને શુભમન ગિલની શાનદાર સદી મુખ્ય હાઇલાઇટ રહ્યા.
બાંગ્લાદેશની પારી : તૌહિદ હ્રિદોય અને જાકીર અલીનું પ્રદર્શન
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ તેમની શરૂઆત ખાસ રહી નહીં. તૌહિદ હ્રિદોય (100) અને જાકીર અલી (68) સિવાય કોઈપણ બેટર ટકી શક્યા નહોતાં. બાંગ્લાદેશની આખી ટીમ 49.4 ઓવરમાં 228 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.
તૌહિદ હ્રિદોય નો શતક 118 બોલમાં આવ્યો હતો, જેમાં તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જાકીર અલીએ 114 બોલમાં 68 રન બનાવ્યા. બાંગ્લાદેશની બેટિંગ ઓર્ડર ભારતના બોલિંગ હુમલાથી જર્જરિત બની ગઈ હતી અને અન્ય બેટરો મોટી પારીઓ રમી શક્યા નહોતા.
મોહમ્મદ શમીનો વિસ્ફોટક સ્પેલ
ભારત માટે મોહમ્મદ શમીએ જોરદાર બોલિંગ કરી. તેણે 10 ઓવરમાં 53 રન આપીને 5 વિકેટ ઝડપી. તેની શાનદાર લાઈન અને લેન્થના કારણે બાંગ્લાદેશના મુખ્ય બેટર્સ તેની સામે સંઘર્ષ કરતા દેખાયા. હર્ષિત રાણાએ 7.4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી અને અક્ષર પટેલે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી. આ ત્રણ બોલર્સના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે ભારત બાંગ્લાદેશને 228 રનમાં જ રોકી શક્યું.
ભારતની પારી: શુભમન ગિલની તોફાની સદી
229 રનના ટાર્ગેટ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી અને મજબૂત શરૂઆત આપી. કેપ્ટન રોહિત શર્માએ 36 બોલમાં 41 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગાનો સમાવેશ હતો. જો કે, ભારતને ત્રીજી વિકેટ રૂપે વિરાટ કોહલી (12) અને પછી શ્રેયસ ઐયર (15)ના રુપમાં ઝડપી ઝટકા લાગ્યા.
આ પછી શુભમન ગિલે કે.એલ. રાહુલ સાથે મળીને ભારતને વિજયની નજીક પહોંચાડ્યું. ગિલે 129 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ હતો. કે.એલ. રાહુલે 47 બોલમાં 41 રન બનાવ્યા અને ભારત માટે મજબૂત પાર્ટનરશિપ કરી. ભારતે 46.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 231 રન બનાવીને મેચ જીતી હતી.
Shubman Gill’s century and Mohammed Shami’s 5-for helped India past Bangladesh in Dubai
Catch the highlights of the #ChampionsTrophy openers
https://t.co/98Yd1BZEqn
— ICC (@ICC) February 20, 2025
ભારત માટે મહત્ત્વની જીત
આ જીત સાથે ભારતના સેમિફાઇનલમાં પહોંચવાના ચાન્સ મજબૂત બન્યા છે. ભારતે હવે ગ્રુપ સ્ટેજમાં માત્ર એક જીત હાંસલ કરવી બાકી છે. જો ભારતીય ટીમ હવે પાકિસ્તાન (23 ફેબ્રુઆરી) અથવા ન્યૂઝીલેન્ડ (2 માર્ચ) સામે જીતે છે, તો તેનું સેમિફાઇનલ માટે સ્થાન નિશ્ચિત થઈ જશે.
ભારત અને બાંગ્લાદેશની પ્લેઇંગ–11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
બાંગ્લાદેશ: તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), જાકીર અલી, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહમદ, તંજીમ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન.
આ જીત ભારત માટે મોટી સફળતા છે, અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ આગળ શું કરશે તે જોવું રસપ્રદ રહેશે.