જામનગર માર્કેટ યાર્ડમાં શિયાળુ સીઝન પૂર્ણ થતાં શિયાળુ જણસની ધમધોકાર આવક થવા લાગી છે. ખાસ કરીને ધાણા, ચણા, રાયડા અને અજમાની મબલખ આવક થવા લાગી છે. હાપા યાર્ડમાં આજે ધાણા અને ચણાની આવક ખોલવામાં આવી હતી. જેમાં કુલ પ00 જેટલા વાહનોમાં 21 હજાર ગુણી ધાણા અને 3500 ગુણી ચણાની આવક થવા પામી છે. ધાણાની પુષ્કળ આવક અને જગ્યાના અભાવને કારણે હવે નવા જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે બપોર બાદ 3 થી રાત્રિના 9 વાગ્યા સુધી રાય અને રાયડાની આવક ચાલુ કરવામાં આવશે. ત્યારબાદ નવી આવક બંધ કરી દેવામાં આવશે. રાયડા માટે ઓફિસની બાજુના ખુલ્લા ઓટા ઉપર સંગ્રહની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ છાપરાવાળા પ્લેટફોર્મ ઉપર રાયડાનો સંગ્રહ કરવામાં આવશે. તેવી જ રીતે આજે બુધવારે સાંજે 7 વાગ્યાથી આવતીકાલ સવારે 8 વાગ્યા સુધી અજમાની આવક ચાલુ કરવામાં આવશે. સવારે 8 વાગ્યા બાદ અજમાની આવક બંધ કરી દેવામાં આવશે. અજમાની ઉતરાઇ માટે યાર્ડમાં શિવશકિત પાછળની દુકાનમાં તેમજ પ્લેટફોર્મ નં. 1 ઉપર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.


