મેટ્રો અને મોટા શહેરો જેવા કે કોલકાતા, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરૂ, અમદાવાદ, હૈદરાબાદ, પુણે અને જામનગરને આગામી વર્ષે સૌથી પહેલા ફાઇવ-જી કનેક્ટિવિટી મળશે, એમ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ડોટ)એ જણાવ્યું હતું. સરકાર માર્ચ અને એપ્રિલ 2022માં ફાઇવ-જી કનેક્ટિવિટીની હરાજી કરવાનું આયોજન ધરાવે છે.આ વર્ષે સપ્ટેમ્બરમાં ડોટે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ પાસે તેના અંગે ભલામણો માંગી હતી.
આ ભલામણોમાં સ્પેકટ્રમની કયા ભાવે હરાજી કરવા, તેનો અનામત ભાવ, બેન્ડ પ્લાન, બ્લોક સાઇઝ, હરાજી કરવામાં આવનારા સ્પેકટ્રમની સંખ્યાનો સમાવેશ થાય છે.ટ્રાયે આ સંદર્ભમાં ઉદ્યોગના વિવિધ હિસ્સેદારો સાથે સલાહમસલત શરૂ કરી છે.
ફાઇવ-જી સર્વિસના લોન્ચિંગને લઈને લાગે વળગે છે ત્યાં સુધી ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયાએ ગુરૂગ્રામ, બેંગ્લુરૂ, કોલકાતા, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, જામનગર, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, લખનઉ, પુણે, ગાંધીનગર સિટીઝમાં તેમની ફાઇવ-જી ફિલ્ડ ટ્રાયલ પ્રસ્થાપિત કરી છે. દેશના આ મેટ્રો અને મોટા શહેરોમાં આગામી વર્ષે સૌથી પહેલા ફાઇવ-જી સર્વિસ લોન્ચ કરવામાં આવશે.
નિષ્ણાતોએ નિર્દેશ કર્યો છે કે ફાઇવ-જી લોન્ચ કરવા અંગે હજી પણ સ્પષ્ટતાની જરૂર છે. તેમા ઉપલબ્ધ કરવામાં આવનારા સ્પેકટ્રમના લાઇસન્સિંગની વાત હોય અને તેને યોગ્ય દરે પૂરા પાડવાની વાત હોય તે અંગે સ્પષ્ટતાની જરૃર છે. ભારતીય લોકોને કવરેજ પૂરુ પાડવા માટે મોટાપાયા પર નાણાનું રોકાણ થનાર છે ત્યારે તેના અંગે સ્પષ્ટતાની જરૂર છે. આમ થવાના પગલે ફાઇવ-જી ઝડપથી લોન્ચ થઈ શકશે. સ્માર્ટફોન તૈયાર છે, ઓપરેટરો તૈયાર છે. બેન્ડની ફ્રિકવન્સી અને અન્ય શરતો તથા જોગવાઈઓ અંગે સ્પષ્ટતાની જરૂર છે.