જામનગર શહેરમાં નાનકપુરી ગુરૂ નાનક મંદિર પાસેના વિસ્તારમાં રહેતો યુવાન બપોરના સમયે એસટી રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન એકટીવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ યુવાનના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી ગણતરીની સેક્ધડોમાં પલાયન થઈ ગયા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાનકપુરી વિસ્તારમાં ગુરૂ નાનક મંદિર પાછળ આવેલ સંતકવરરામ ચોકમાં રહેતાં વિનોદભાઈ શંકરલાલ વાધવાણી નામનો યુવાન રવિવારે બપોરના 3 વાગ્યાના અરસામાં એસટી રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન એકટીવા મોટરસાઈકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ યુવાનના ગળામાં પહેરેલો રૂા.25000 ની કિંમતનો એક તોલાનો સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો. ચેઈનની ચીલઝડપ થતા યુવાને બુમાબુમ કરી હતી. પરંતુ કોઇ મદદ માટે આવે તે પહેલાં જ તસ્કર ચીલઝડપ કરીને પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ કરાતા એએસઆઈ એમ.એમ. જાડેજા તથા સ્ટાફે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ચીલઝડપનો ગુનો નોંધી તસ્કરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.