ગુજરાતમાં ગત રવિવારે ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. પરંતુ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામે એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક ઉમેદવારનું નિશાન ટેબલ હોવાથી લોકો તેને મત આપવા માંગતા હતા તો ટેબલ ઉપર સિક્કો મારવાનું કહેતા લોકોએ ટેબલના ચિન્હની જગ્યાએ મટકુટીર પર પડેલા ટેબલ ઉપર સિક્કો મારીને કોરા બેલેટ પેપર મતપેટીમાં નાખ્યા હતા. અને ટેબલના ચિન્હ પર સરપંચ પદે ચૂંટણી લડનાર મહિલાનો પરાજય થયો હતો.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામે 19 ડિસેમ્બર 2021 ના રવિવારે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આ મતદાન પ્રક્રિયા સાહડા ગામની શાળામાં યોજાઈ હતી. સાહડા ગામે 2655 મતદારોમાંથી 2142 મતદારોએ મતદાન કર્યું હતું. અને ટેબલના ચિન્હની જગ્યાએ નબંર ત્રણના ટેબલ ઉપર 165 જેટલા સિક્કા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ટેબલના ચિન્હ સાથે ચૂંટણી લડી રહેલા મહિલા ઉમદેવારનો 31 મતથી પરાજય થયો હતો. મતદારોએ બેલેટ પેપર પર મતદાન કર્યું હોય તો ટેબલના નિશાન વાળા ઉમેદવાર વિજયી બન્યા હોત. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારનું નિશાન ટેબલ હતું. જે નિશાનથી ઉમેદવારે બેલેટ પેપરમાં ટેબલ ઉપર સિક્કો મારી મત આપવા જણાવ્યું હતું. પરંતુ નિરક્ષરતાને કારણે લોકોએ મતદાન મથકના ટેબલ ઉપર સિક્કા મારી દીધા હતા.