ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને તેમના પિતા અને ભૂતપૂર્વ શાસક કિમ જોંગ-ઇલની 10મી વાર્ષિક પુણ્યતિથી પર તુગલક હુકમનામું બહાર પાડ્યું છે. જેમાં લોકોને હસવા, ખરીદી કરવા પર, રડવા પર અને દારૂ પીવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિમે આજથી એટલે કે શુક્રવારથી 11 દિવસ માટે દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
આ 11 દિવસના રાષ્ટ્રીય શોક દરમિયાન સામાન્ય લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ બહાર જઈ શકશે નહી. નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો પ્રતિબંધના 11 દિવસ દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો તેનો પરિવાર મોટેથી રડી પણ શકશે નહીં. શોકનો સમય પૂરો થયા પછી જ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઇ જવાશે. જો આ 11 દિવસોમાં કોઈનો જન્મદિવસ આવે છે, તો તે તેની ઉજવણી કરી શકશે નહીં.
હ્વાંગો પ્રાંતના એક રહેવાસીએ મીડિયામાં જણાવ્યા અનુસાર પોલીસને લોકો પર કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. કિમ જોંગ ઉનના દાદા કિમ ઇલ-સુંગે 1948માં વર્તમાન ઉત્તર કોરિયાની સ્થાપના કરી હતી. 1994માં તેમના મૃત્યુ બાદ તેમના મોટા પુત્ર કિમ જોંગ ઇલ સત્તા પર આવ્યા. કિમ જોંગ-ઇલે 1994 થી 2011 સુધી દેશ પર શાસન કર્યું. 17 ડિસેમ્બર 2011ના રોજ 69 વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. પિતાના મૃત્યુ બાદ કિમ જોંગ ઉન ગાદી પર બેઠા. હવે તેઓ પણ ઉત્તર કોરિયા પર 10 વર્ષથી સાશન કરી રહ્યા છે. દર વર્ષે તેમના પિતાની પુણ્યતિથી નિમિતે તેઓ 10 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરે છે પરંતુ રીપોર્ટ અનુસાર આ વર્ષે તેમના પિતાના મૃત્યુને 10 વર્ષ પુરા થતા હોવાથી 11 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.