ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી મહિલા તેમના પુત્રને ત્યાં અમેરિકા ગયા હતા. જ્યાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ નિપજ્યાંના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.
ખંભાળિયામાં એસ.એન.ડી.ટી. વિસ્તારમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના સામોર ગામના વતની સ્વ. મથુરાદાસ ખીમજીભાઈ કાનાણીના ધર્મપત્ની દમયંતીબેન આજથી આશરે દોઢેક માસ પૂર્વે અમેરિકા ખાતે રહેતા તેમના પુત્ર વિજયભાઈ કાનાણીના ઘરે ગયા હતા.
ખાસ કરીને પૌત્રીઓને મળવા માટે યુ.કે. ગયેલા 75 વર્ષીય દમયંતીબેન તેમના પુત્ર, પુત્રવધુ તથા બે પૌત્રીઓ સહિતના પરિવારજનો સાથે મોટરકારમાં જઈ રહ્યા હતા, ત્યાં અચાનક બેફિકરાઈપૂર્વક ધસી આવેલા એક મોટરકારના ચાલકે દમયંતીબેનની કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર જીવલેણ બની રહી હતી અને દમયંતીબેનનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર, પુત્રવધૂ વિગેરેને ગંભીર ઇજાઓ સાથે અમેરિકાની હોસ્પિટલમાં જ સારવાર અપાઇ રહી છે. આ બનાવે મૃતકના પરિવારજનો સાથે ખંભાળિયા પંથકમાં અરેરાટી પ્રસરાવી છે.