જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી કોરોના મહામારીના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જામનગર શહેરમાં કોરોના સીંગલ ડીઝીટમાં પહોંચતા શહેરીજનો તથા તંત્રએ રાહત અનુભવતા ભયમુકત માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં ગઈકાલે 9 તથા ગ્રામ્યમાં 3 મળી કુલ 12 કેસ નોંધાયા હતા. જ્યારે દ્વારકા જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા અને 2 દર્દીઓએ દમ તોડયો હતો.
ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેર ઓમિક્રોનના સંક્રમણ અનેકગણી ઝડપે વધ્યા બાદ છેલ્લાં થોડા દિવસોથી કેસોની સંખ્યા ઘટતી જઈ રહી છે. ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ગાળામાં સામાન્ય લક્ષણ હોવાથી દર્દીઓ ઘરે આઈસોલેશન થઇને સારવાર લઇ સ્વસ્થ થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપી રીતે વધ્યા બાદ છેલ્લાં બે સપ્તાહથી સંક્રમિત થનારા લોકોમાં ક્રમશ: ઘટાડો જોવા મળી રહ્યો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 26 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં જામનગર શહેરમાં બુધવારે નવા 9 દર્દીઓ નોંધાયા છે અને તેની સામે 83 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે કલ્યાણપુરના 6, દ્વારકાના 4, ભાણવડના 3 અને ખંભાળિયાના 1 મળી કુલ 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સ્વસ્થ થયા છે. દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં એક-એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે દ્વારકા જિલ્લામાં કુલ 735 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
જામનગર ગ્રામ્યમાં ગઈકાલે 839 આરટીપીસીઆર ટેસ્ટ તથા 267 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જ્યારે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 663066 સેમ્પલ લેવામાં આવ્યાં છે.