મીઠાપુર પંથકમાં આજથી આશરે ચાર વર્ષ પૂર્વે થયેલી એક હત્યા પ્રકરણમાં આરોપી જાહેર થયેલા આરંભડાના એક શખ્સે ફર્લો રજામાં છુટ્યા બાદ ફરાર થઈ જતા એલસીબી પોલીસે આ શખ્સને મીઠાપુર વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે કાલો કારુભા જડિયા નામના 27 વર્ષના શખ્સ સામે વર્ષ 2019 માં હત્યાની કલમ 302 વિગેરે મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને અદાલતે આજીવન કારાવાસની સજા ઉપરાંત રૂા. 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ શખ્સને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવ્યો હતો.
આરોપી ભરત ઉર્ફે કાલો જડિયા ગત તારીખ 12 સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટની મંજૂરી મુજબ 14 દિવસની ફર્લો રજા પર ગયો હતો. જેણે હુકમ મુજબ નિયત સમયમાં પરત ફરવાનું હોય, પરંતુ તે ગત તારીખ 27 સપ્ટેમ્બરના રોજ હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અંતર્ગત પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી પરત કાળુભા જડિયાને ઓખા મંડળમાં હમુસર ગામની સીમમાં આવેલી એક કંપની નજીકની બાવળની જાળી ઝાંખરાઓમાંથી સંતાયેલો દબોચી લીધો હતો. ઝડપાયેલા આ આરોપીને તેની બાકી રહેતી સજા ભોગવવા માટે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે મોકલવા માટેની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, ભાર્ગવ દેવમુરારી, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, વિપુલભાઈ ડાંગર, ડાડુભાઈ જોગલ, સચિનભાઈ નકુમ, હસમુખભાઈ કટારા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.