Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયછેલ્લા 11 મહિનામાં સરકારે પેટ્રોલ-ડિઝલમાંથી 2.94 લાખ ખંખેરી લીધાં

છેલ્લા 11 મહિનામાં સરકારે પેટ્રોલ-ડિઝલમાંથી 2.94 લાખ ખંખેરી લીધાં

- Advertisement -

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લાં સાત વર્ષમાં રાંધણગેસના ભાવ બમણાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં સરકારનું ટેક્સ કલેક્શન 459 ટકા વધ્યું છે. કેરોસીનના ભાવમાં પણ અઢી ગણો વધારો થયો છે. રાંધણગેસના ભાવ માર્ચ-2014માં 410 રૂપિયા હતા, જે માર્ચ-2021માં 819 થઈ ગયા છે.

- Advertisement -

લોકસભામાં ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમની કિંમતો અંગે સવાલ પૂછાયો હતો. જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે રાંધણગેસના ભાવ છેલ્લાં સાત વર્ષમાં બમણાં થઈ ચૂક્યા છે. એ જ રીતે 2014માં એક લિટર કેરોસીનની કિંમત 14.96 રૂપિયા હતી. 2021માં આ કિંમત 35.35 રૃપિયા થઈ ગઈ છે.

પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ધીકતી કમાણી કરી છે. એ વાતનો સ્વીકાર પેટ્રોલિયમ મંત્રીએ પણ કર્યો હતો. મંત્રીએ સ્વીકાર્યું હતું એ પ્રમાણે 2013માં પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે 52,537 કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન મેળવ્યું હતું. 2019-20ના વર્ષમાં ટેક્સ કલેક્શન વધીને 2.13 લાખ કરોડ થયું હતું. છેલ્લાં 11 મહિનામાંજ સરકારનું પેટ્રોલ-ડીઝલમાંથી ટેક્સ કલેક્શન 2.94 લાખ કરોડ થઈ ચૂક્યું છે. એમાં એક મહિનો ઉમેરાશે એટલે આંકડો ત્રણ લાખ કરોડને પાર થઈ જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

- Advertisement -

અત્યારે સરકાર પેટ્રોલમાંથી એક લિટરે 32.90 રૃપિયાનો ટેક્સ વસૂલે છે અને ડીઝલમાંથી 31.80 રૂપિયાનો ટેક્સ મેળવે છે. 2018માં સરકાર એક લિટર પેટ્રોલે 17.98 અને ડીઝલમાં 13.83 રૂપિયા વસૂલતી હતી. એ ટેક્સ માત્ર બે-અઢી વર્ષમાં જ બમણો થઈ ચૂક્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને લેખિતમાં સ્વીકાર્યું હતું એ મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સરકારે 2016-17માં 2.37 લાખ કરોડની કમાણી કરી હતી.

એપ્રિલ-2020થી જાન્યુઆરી-2021 સુધીમાં જ સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી 3.01 લાખ કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. છેલ્લાં 15 માસમાં એક લિટર પેટ્રોલમાં 11.77 રૃપિયાનો ટેક્સ વધારો થયો હતો. ડીઝલમાં લિટરે 13.47 રૃપિયા વધ્યા હતાં. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું એ પ્રમાણે સરકારે ઓક્ટોબર-2017માં બે રૂપિયાની એક્સાઈઝ ડયૂટી ઘટાડી હતી, પરંતુ જુલાઈ-2019માં બે રૂપિયાનો વધારો પણ કરાયો હતો. માર્ચ-2020માં લિટરમાં 3 રૂપિયાની એક્સાઈઝ ડયૂટીનો વધારો સરકારે ઝીંક્યો હતો. મેમાં સરકારે ફરી વખત પેટ્રોલમાં એક લિટરે 10 રૂપિયાની એક્સાઈઝ ડયૂટી વધારી હતી અને ડીઝલમાં 13 રૃપિયાની એક્સાઈઝ ડયૂટી એક લિટરે વધારાઈ હતી. લોકડાઉન ચાલતું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે ગયા હતા. આથી લોકોને ક્રૂડમાં ઘટાડાનો લાભ ન આપવો પડે તે માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં જંગી વધારો કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular