જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાન ધરાશાયી થવાથી 3 લોકોના મૃત્યુ થયા હતાં. તે મૃતકોના પરિવારજનોને મકાન આપવા તેમજ મૃતકોના વારસદારોને 10 લાખની સહાય આપવા, ઇજાગ્રસ્તોને 5 લાખ સહાય આપવા જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, શહેરના સાધના કોલોની પાસે હાઉસિંગ બોર્ડ દ્વારા અંદાજિત 25 વર્ષ પૂર્વે આવાસ બનાવવામાં આવ્યા હતાં. આ આવાસ જર્જરીત થયા હોય, જેનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું નહીં અને તંત્ર દ્વારા ફકત નોટીસ મોકલી સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યાંના રહેવાસીઓની તકલીફ હતી કે, આવાસ ખાલી કરે તો જાય ક્યા? કારણ કે, તંત્ર દ્વારા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ જર્જરીત આવાસ ધરાશાયી થતાં 3 લોકોના મૃત્યુ થયા હતાં. ત્યારબાદ તંત્ર દ્વારા જર્જરીત બિલ્ડીંગના 24 પરિવારોને મકાન ખાલી કરાવ્યા છે.
આ 24 પરિવારો રહેવા માટે વલખા મારી રહ્યાં છે. આથી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હજૂપણ એવા જર્જરીત મકાનો બિલ્ડીંગનું હોય તેની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માગણી કરવામાં આવી છે. તેમજ શુક્રવારના સાધના કોલોનીના જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃતકોના વારસદારોને 10 લાખની સહાય આપવા તથા ઇજાગ્રસ્તોને 5 લાખ સહાય આપવા તથા આ આવાસ પડી જવાથી હાલમાં લોકોને કોઇ રહેવાની વ્યવસ્થા ન હોય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે.
જામ્યુકો વિપક્ષ નેતા ધવલ નંદા કોર્પોરેટરો અલ્તાફ ખફી, જેનબબેન ખફી, નુરમામદ પલેજા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર કોંગ્રેસ મહામંત્રી સાજિદ બ્લોચ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આવાસના રહેવાસીઓને સાથે રાખી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.