જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધે છેલ્લાં 20 વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામજોધપુર તાલુકાના સીદસર ગામની સીમમાં ખેતમજૂરી કરતા સમયે મહિલાને સાપ કરડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 23 માં આવેલા સાંઈ રેસીડેન્સમાં રહેતાં અશોકભાઇ નેમચંદભાઈ શાહ (ઉ.વ.67) નામના વૃદ્ધને છેલ્લાં 20 વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાકેશભાઇ ગોસરાણી દ્વારા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના સીદસર ગામની સીમમાં આવેલા દિનેશભાઇના ખેતરમાં મજૂરી કામ કરતા કલીબેન કલમસીંગ અવાસીયા (ઉ.વ.35) નામના મહિલાને મગફળી ઉપાડતા સમયે સાપ કરડી જતા ઝેરી અસર થવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા હેકો જી.આઇ.જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધે જિંદગી ટૂંકાવી
ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા : સીદસરમાં સાપ કરડી જતાં મહિલાનું મોત


