જામનગર શહેરમાં રહેતી તરૂણીને તેણીના મંગેતર સહિતના 6 નરાધમોએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાના પ્રકરણમાં પોલીસે આ દુષ્કર્મમાં મદદ કરનાર બે મહિલા સહિતના શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી તરૂણી લાલપુર બાયપાસ ચોકડી પાસે એક હોટલમાં કામે જતી હતી, જ્યાં તેની સાથે કામે આવતો અક્રમ સિદ્દીક જુણેજા નામનો શખ્સ સંપર્કમાં આવ્યો હતો અને આઠ મહિના પહેલાં તેણે તરૂણીને લાલપુર બાયપાસ ચોકડી પાસે પોતાની હવસનો શિકાર બનાવી દીધી હતી. ત્યાર પછી તરૂણીને પોતાના ઘેર લઈ ગયો હતો. ઉપરાંત અન્ય જુદાજુદા ત્રણ સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત સગીરાનું આજથી આઠ મહિના પહેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતા સુનીલ ભનાભાઈ રાઠોડ નામના શખ્સ સાથે સગપણ થઈ ગયું હતું અને મંગેતર પણ સગીરાને ફેરવતો હતો, અને તેણે પણ ત્રણેક વખત સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉપરાંત સાધના કોલોની વિસ્તારમાં રહેતી રજિયા હુસેનભાઈ ખીરા અને લતાબેન પાટીલ નામની બે મહિલાઓ આ બાબત જાણતી હોવાથી સગીરાને પોતાના ઘેર બોલાવ્યા પછી કિશન અને અન્ય ત્રણ શખ્સોને પોતાના ઘરમાં બોલાવી સગીરા સાથે દુષ્કર્મ ગુજારવા માટેની વ્યવસ્થા કરાવી આપીને વરવી ભૂમિકા પણ ભજવી હોવાનું સગીરા દ્વારા કબૂલ કરાયું હતું.
ત્યારબાદ તરૂણી બે દિવસ પહેલાં સાંજે જામનગરના એક ખાનગી મહિલા તબીબ પાસે પેટના દુખાવા અને સારવાર માટે ગઈ હતી. જે દરમિયાન તેણી ગર્ભવતી હોવાનું અને લગ્ન થયા ન હોવા છતાં નાની ઉંમરે ગર્ભવતી બનેલી તરૂણીની તબીબ દ્વારા પૂછપરછ પછી અનેક લોકોની હવસનો શિકાર બની હોવાનું જણાવતાં મહિલા તબીબે મહિલા હેલ્પલાઇનની 181 ની ટીમને જાણ કરી હતી. જેથી મહિલા પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે તરૂણીની ફરિયાદના આધારે આરોપી અક્રમ જુણેજા, સુનિલ રાઠોડ, કિશન નામના શખ્સ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ઉપરાંત મદદગારીમાં રજીયા હુસેન ખીરા અને લતાબેન પાટીલ સહિત છ સામે દુષ્કર્મ ગુજારવા અંગેની કલમ તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે હાલમાં અક્રમ તથા સુનીલની ધરપકડ કરી બંન્નેના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અન્ય નરાધમોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.