સીક્કા એલસી-4 માં લેબર કેમ્પ નં.24 માં શેડમાં પાણી પડતું હોય તાલપત્રી નાખવા ચડેલ આધેડ લપસી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતો યુવાન જામનગર-ખંભાળિયા હાઈવે પર સાઈટ પર કામ કરતો હોય, મીલરલાઈટના વાયરને અડી જતાં વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ સીક્કા વૃંદાવન સોસાયટીમાં રહેતાં ભીખાભાઈ નાથાભાઈ સીંઘવ (ઉ.વ.50) તા.25 ના રોજ સીક્કા એલસી-4 માં લેબર કેમ્પ નં.24મ માં શેડમાં પાણી પડતું હોય જેથી પતરા ઉપર તાલપત્રી નાખવા માટે ઉપર ચડતા સેડ તૂટતા નીચે પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર આર કરંગીયા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ગુલાબનગર ત્રિમંદિર પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતો પુનમસીંગ ઈજુભાઈ વસુનિયા (ઉ.વ.22) નામનો યુવાન ખંભાળિયા-જામનગર હાઈવે બેડ ટોલનાકા નજીક વીકીભાઈની સાઈટ ઉપર કામ કરતો હતો આ દરમિયાન મીલરલાઈટના વાયરને અડી જતા વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા હેકો સી ડી ગાંભવા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.