Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકાના શીવરાજપુરમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી

દ્વારકાના શીવરાજપુરમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી

વકીલ અને અધિકારીની મીલીભગતથી જમીન કૌભાંડની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ : મહિલાઓ સહિત અડધો ડઝન શખ્સ સામે ગુનો નોંધાયો

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ શિવરાજપુર ગામે વકીલ અને તેના પરિવાર દ્વારા સ્થાનિક અધિકારી તેમજ અન્ય મળતીયાઓ દ્વારા સાથે મળીને એક આસામીની 11 વીઘા જમીન પચાવી પાડ્યાની ફરિયાદ રાજકોટ ખાતે સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગમાં નોંધાવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ઓખા મંડળના શિવરાજપુર વિસ્તારમાં રહેતા પબુભા જખરાભા નાયાણી નામના 48 વર્ષના હિન્દુ વાઘેર યુવાન દ્વારા હાલ જામનગર ખાતે રહેતા પુષ્પાબેન નટવરલાલ ચાંદલીયા, આશાબેન સંજીવ ચાંદલીયા, મીનાક્ષી નટવરલાલ ચાંદલીયા તેમજ સબ રજીસ્ટ્રાર ડી.એલ. તેરૈયા ઉપરાંત અન્ય કેટલાક સંડોવાયેલા શખ્સો સામે રાજકોટ સી.આઈ.ડી. ક્રાઈમમાં ફરિયાદી પબુભા નાયાણી પરિવારની શિવરાજપુર ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નંબર 138/2 તથા નવા રેવન્યુ સર્વે નંબર 23 ની આશરે 11 એકર જમીન ખોટા દસ્તાવેજો ઊભા કરી અને પોતાના નામે કરી લેવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવવાયા મુજબ વર્ષ 1978માં ફરિયાદી પબુભાના પિતા દ્વારા એસએસસી સિમેન્ટ કંપનીને 20 વર્ષની લીઝ પર તેમની ઉપરોક્ત જગ્યા ભાડાપટ્ટે આપવામાં આવી હતી. જેનો ભાડાપટ્ટો 1998 માં પૂર્ણ થયા બાદ લાંબો સમય સુધી વિધિવત રીતે સરકારી ચોપડે ફરિયાદી પરિવારનું નામ દાખલ થયું ન હતું. જે પ્રકરણમાં અવસાન પામેલા ફરિયાદી પબુભાના પિતાની હયાતીમાં જ ત્રણ મહિલાઓ સહિત પાંચ શખ્સોએ બોગસ સહીઓ કરી ઓફ લાઇન દસ્તાવેજ પ્રક્રિયા કરી, જમીન પચાવી પાડી હોવાની વિગતો સામે આવી છે.
તારીખ 01/05/2018 ના રોજ રજીસ્ટર બનાખત બાદ તારીખ 29/10/10 ના રોજ બોગસ દસ્તાવેજ મારફતે આ જમીન હડપ કરી જવા અંગેની આ કામગીરીમાં નાના આસોટા ગામના એક શખ્સ દ્વારા સાક્ષીમાં સહી કરવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
 મૃતક ખેડૂતના પુત્રએ વારસાઈ જમીન પોતાના નામે કરવા કાર્યવાહી કરી ત્યારે આ સમગ્ર કૌભાંડ ઉજાગર થયું છે. જ્યારથી આંતરરાષ્ટ્રીય કક્ષાના બીચ વિકસાવવામાં તજવીજ શરૂ થઈ છે, ત્યારથી સોનાની લગળી બની ગયેલા શિવરાજપુરની જમીન પર મોટા ભુમાફિયાઓ ડોળો જમાવ્યો છે. આ પ્રકરણમાં પરદા પાછળ મોટા ભુમાફિયાઓ સંકળાયેલ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામ અને આજુબાજુના ગામડાઓની જમીન એસીસી કંપનીએ લિઝ પેટે લીધી હતી. આ કંપનીની લિઝ પૂરી થઈ જવા છતાં અનેક ખેડૂતોએ આ જમીન પોતાના નામે કરી ન હતી, કારણ કે તેઓની અજ્ઞાનતા અને અભણ હોવાના કારણે આવા અનેક ખેડૂતોએ પોતાની જમીનનો કબજો તો સંભાળી લીધો, પરંતુ દસ્તાવેજો પોતાના નામે કર્યા ન હતા. શિવરાજપુરના આવા જ એક ખેડૂત જખરાભા નાયાણીની 11 એકર જમીન પર ઉપરોક્ત કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું સી.આઈ.ડી. ક્રાઈમ સમક્ષ જાહેર થયું છે.
 વર્ષ 2007-08 માં વકીલ સંજીવ નટવરલાલ ચાંદલીયાએ કથિત રીતે જે-તે સમયના સબ રજિસ્ટ્રાર ડી.એલ. તેરૈયાની સાથે મળીને આ જમીન ખરીદ કર્યાના બોગસ દસ્તાવેજ બનાવી, વેચાણ કરાર કર્યા હતા. દરમિયાન ત્રણેક વર્ષ બાદ આ જમીનના બોગસ દસ્તાવેજ બનાવી રૂપિયા બે લાખમાં ખરીદ કર્યા અંગે દસ્તાવેજ બનાવી પોતાના નામે કરી લેવામાં આવી હતી. આ પ્રક્રિયા ખેડૂત જખરાભાઈ અને તેના પરિવારની જાણ બહાર કરવામાં આવી હોવાનું ફરિયાદ પરથી ફલિત થયું છે.
વર્ષ 2017માં જમીન માલિક જખરાભા અવસાન પામતા તેમના પુત્ર પબુભાએ તેની માતા સાથે મળીને આ જમીન પોતાના નામે કરાવવાના પ્રયાસ કર્યા ત્યારે ખબર પડી હતી કે આ જમીન અન્ય આસામીઓના નામે ચડી ગઈ છે. જેને લઈને માતા-પુત્રએ સ્થાનિક તંત્રમાં અવારનવાર અરજીઓ કરી હતી તેમજ પોલીસ તંત્રમાં પણ રજૂઆતો કરી હતી. પરંતુ આ જમીન પ્રકરણમાં મોટા માથા સંડાવાયેલા હોવાની શક્યતા વચ્ચે તેઓની રજૂઆતોનો લાંબો સમય સુધી કોઈ નિકાલ આવ્યો ન હતો.
આથી તેમના દ્વારા રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં અરજી કરી હતી આ અરજીના અનુસંધાને સી.આઈ.ડી.એ તત્કાલીન સબ રજીસ્ટર સાથે વકીલ સંજીવ ચાંદલીયાના પત્ની મીનાક્ષી ચાંદલીયા, આશા ચાંદલિયા અને પુષ્પાબેન નટવરલાલ ચાંદલિયા સહિતનાઓ સામે બોગસ દસ્તાવેજ બનાવી 11 એકર જમીન પચાવી પાડી જમીન કૌભાંડ આચરવા સબબ ફરિયાદ નોંધી છે.
લાંબા સમય બાદ ફરિયાદ નોંધાતા આ મુદ્દો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે. સૂત્રોનું માનવામાં આવે તો ફરિયાદમાં જે નામ છે તે તો માત્ર નામ પૂરતા જ  છે, પરંતુ આ જમીન પાછળ મોટા માથાઓ સંડોવાયેલા હોવાની આશંકા સાથે, સી.આઈ.ડી.ની તપાસ દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ શખ્સોને નામો ખુલશે કે કેમ? તે તો આગામી સમય જ કહેશે.
ફરિયાદમાં જણાવાયા મુજબ આ પ્રકારે અન્ય કેટલાક ખેડૂતોના ઉપરાંત  સરકારની જમીનના બોગસ દસ્તાવેજો પણ થયું હોવાનું પણ કહેવાય છે. આ પ્રકરણમાં આગળની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular