જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં નવરાત્રી જેવા પવિત્ર તહેવારો દરમિયાન પોતાની પત્ની અને પુત્રને જીવતા જલાવી દેવાનો કિસ્સો સામે આવતાં નરાધમ પતિ સામે ચોમેરથી ફીટકારની લાગણી વરસી રહી છે. પોલીસે આરોપી સામે હત્યા પ્રયાસ અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામજોધપુરના સડોદર ગામે રહેતી અને ખેતમજૂરી કામ કરતી મૂળ દાહોદની વતની ભાવનાબેન નરેશ મારવાડી નામની 30 વર્ષની પરિણીત મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના આઠ માસના પુત્ર રણજિત ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ કરવા અંગે પોતાના જ પતી નરેશ કનુભાઈ મારવાડી સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. ભાવનાબેન રવિવારે સાંજે તેના ઝૂંપડામાં હતી ત્યારે આઠ માસનો પુત્ર રણજિત રડતો હોવાથી પતિ ઝૂંપડામાં આવ્યો હતો, અને ‘તને સંતાન સાચવતા આવડતું નથી’ તેમ કહી તકરાર કરી હતી. ત્યાર પછી ભાવનાબેન અને પુત્ર પર પેટ્રોલ છાંટી ઝૂંપડામાં પણ પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, અને પોતે ત્યાંથી ભાગી ગયો હતો.
આ બનાવમાં ભાવનાબેન અને પુત્ર રણજિત શરીરે દાઝી ગયા હોવાથી તેઓને તાત્કાલીક અસરથી જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનની ટુકડી ઘટનાસ્થળે તેમજ જામનગરની જી.જી હોસ્પિટલે દોડી ગઈ હતી, અને ભાવનાબેનનું નિવેદન નોંધ્યા પછી તેની ફરિયાદના આધારે પતિ નરેશ કનુભાઈ મારવાડી સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ 307 તેમજ 504 મુજબ ગુનો નોંધ્યો છે અને ભાગી છૂટેલા નરાધમ પતિને પોલીસ શોધી રહી છે. નવરાત્રીના તહેવાર દરમિયાન આ બનાવ બન્યો હોવાથી જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે.