રાજય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નવીન જી.આઇ.ડી.સી.ની સ્થાપના માટે વિધાન સભા સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના 13 જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝીબિલીટી એસેસમેન્ટ રીપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ આ મહત્વના નિર્ણયની વિગતો આપતા મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના ઝડપી ઔદ્યોગિક વિકાસ દ્વારા આર્થિક વિકાસ સાધી શકાય છે. જેને ધ્યાને લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગુજરાત આજે રોજગારી પૂરી પાડવામાં દેશભરમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં વધુને વધુ રોજગારી ઉપલબ્ધ બને અને ઉદ્યોગગૃહો પોતાનો ઉદ્યોગ સરળતાથી સ્થાપી શકે તે આશયથી રાજ્ય સરકારે અનેકવિધ સુવિધાઓ ઓનલાઇન પૂરી પાડી છે. જેના પરિણામે ગુજરાતમાં મૂડી રોકાણ વધ્યું છે અને અનેક ઉદ્યોગગૃહો રાજ્યમાં આવ્યા છે. જેને ધ્યાને લઇને રાજ્યમાં રોજગારનું પ્રમાણ વધે તે આશયથી રાજ્ય સરકારે આ નવીન જી.આઇ.ડી.સી. સ્થાપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના રાજકોટ, મહેસાણા, મહિસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ગીરસમોનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ અને જૂનાગઢ જિલ્લાના 21 તાલુકાઓમાં જી.આઇ.ડી.સી. સ્થાપવામાં આવનાર છે. તે માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમ કામગીરી કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં નવીન જી.આઇ. ડી.સી.નું નિર્માણ થનાર છે તેમાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના વિંછીયા ગામે, મહેસાણા જિલાના સતલાસણ તાલુકાના નાની ભલુ, જોટાણા તાલુકાના જોટાણા ખાતે, વડનગર તાલુકાના વડનગર ખાતે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બાલાસિનોર ખાતે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ ખાતે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના થરાદ ખાતે, પાલનપુર તાલુકાના પાલનપુર ખાતે, દિયોદર તાલુકાના લવાણા ખાતે, ધાનેરા તાલુકાના ધાનેરા ખાતે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સિદ્ધપુર ખાતે, સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ખાતે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ખાતે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ખાતે, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરા ખાતે, મહુધા તાલુકાના મહુધા ખાતે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા ખાતે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આંકલાવ ખાતે, જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના માળીયા હાટીના ખાતે, જૂનાગઢ તાલુકાના જૂનાગઢ ખાતે આ જી.આઇ.ડી.સી સ્થાપાશે.