જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં મંડપ સર્વિસ ચલાવતા યુવાને ઘરે પ્રસંગ હોવાથી મંડપ નાખવાની ના પાડતા શખ્સે ઘર પાસે આવી તાવિથા વડે હુમલો કરી યુવાનની પત્નીને ધકો મારી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં વિજય રાઠોડ નામના યુવાનને તેના જ વિસ્તારમાં રહેતાં સુખદેવસિંહ ઉર્ફે સુખો વાઢેરએ ફોન કરી મારા ઘરે મરણ થયેલ છે તો મંડપ નાખી જવાનું જણાવ્યું હતું પરંતુ, વિજયે મારા ઘરે પ્રસંગ હોવાથી હું મંડપ નાખવા નહીં આવી શકું. તેમ જણાવતા સુખદેવસિંહએ ગાળો કાઢી હતી. ત્યારબાદ સુખદેવસિંહે વિજયના ઘર પાસે જઈ રસોઇ કરવાના તાવિથા વડે હુમલો કર્યો હતો. જેથી વિજયની પત્ની પતિને છોડાવવા વચ્ચે પડતા મહિલાને ધકો મારી પછાડી દીધી હતી. ઉપરાંત યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. વેપારી ઉપર થયેલા યુવાનની જાણ કરતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે સુખદેવસિંહ વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.