ઓખા મંડળના મીઠાપુર પંથકમાં તાજેતરમાં યોજાઇ ગયેલી એક ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે બે જૂથો વચ્ચે ચાલી રહેલા આંતરિક મનદુ:ખ તથા સખળડખળ કે જે ઉગ્ર ધિંગાણાનું સ્વરૂપ ધારણ કરનાર હતું, જે સંદર્ભે સ્થાનિક પોલીસની સક્રિયતા તથા તાકીદની કાર્યવાહીથી લોહિયાળ બનતા અટકી ગયું હતું. જે સંદર્ભે સ્થાનિક પોલીસે કુલ 26 શખ્સોને જીવલેણ હથિયારો સાથે ઝડપી લઈ, આ તમામ સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
મીઠાપુર પંથકમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા પાડલી ગામે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી સંદર્ભે સ્થાનિક શખ્સો દ્વારા મનભેદ અને મનદુ:ખ થયા બાદ બે જૂથો વચ્ચે આંતરિક સખળ-ડખળ દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું હતું. આટલું જ નહી, આ સંદર્ભે ટેલિફોનિક વાતચીતો તથા કથિત ધમકીઓ સંદર્ભે બે જૂથો સામે આવી ગયા હતા. આ સમગ્ર પ્રકરણ મીઠાપુર પોલીસ મથકના પી.આઈ. જી.આર. ગઢવીના ધ્યાને આવતા તેમના દ્વારા સ્ટાફને સાથે રાખી અને મીઠાપુર પંથકમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગઈકાલે મંગળવારે સવારે કેટલાક શખ્સો સશસ્ત્ર જૂથ અથડામણ સર્જવાના મૂડમાં આવી ગયા હતા અને વાહનો મારફતે હથિયારો લઈને નીકળી પડ્યા હતા.
આ અનુસંધાને પી.આઈ. ગઢવી તથા સ્ટાફ દ્વારા બાતમી મુજબના શખ્સોના ઘરે જઈને શોધ-ખોળ હાથ ધરાયા પછી મીઠાપુર નજીક આવેલા દેવપરા ગામના જાપા પાસેથી જ લાલુભા સાજાભા સુમણીયા, રાજેશભા માલાભા સુમણીયા, ભુટાભા રાજમલભા સુમણીયા, સાજાભા માનસંગભા સુમણીયા, લુણાભા હનુભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયા, હાજાભા પાલાભા સુમણીયા, માનસંગભા ધાંધાભા માણેક, સોમભા કાયાભા માણેક, રાયદેભા ટપુભા કેર, પેથાભા નાથાભા માણેક, પત્રામલભા રણમલભા માણેક, જગદીશભા હનુભા સુમણીયા, રાજાભા દેવીસંગભા સુમણીયા, ડાડુભા દેવીસંગભા સુમણીયા, ખેતાભા દેવીસંગભા સુમણીયા, વનરાજસિંહ બાલુભા વાઢેર, એભાભા વીરાભા સુમણીયા, હિતેશસિંહ બાલુભા વાઢેર, સહદેવસિંહ ગુમાનસિંહ વાઢેર, સાગરભા પત્રામલભા માણેક, અજાભા રુખડભા માણેક, વનરાજભા લઘુભા માણેક, સાજાભા પોલાભા કેર, કમલેશભા માંડણભા માણેક અને નાનાભા બાલુભા સુમણીયા નામના કુલ 26 શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
બંને જૂથના કુલ તેર- તેર મળી આ 26 શખ્સોની ગત્ મોડી સાંજે પોલીસે અટકાયત કરી, અને આ શખ્સો પાસેથી લોખંડના પાઇપ, લાકડી, લાકડાના ધોકા, લોખંડના ધારીયા, લોખંડનો કાતો, લોખંડની કુહાડી, લોખંડના હાથાવાળી કોસ, લોખંડની નળીવાળો પાઈપ, લાકડાની ઇસ, પ્લાસ્ટિકના પાઇપ, સહિતના હથિયારો કબ્જે કર્યા હતા.
આમ, લોહિયાળ ધિંગાણુ સર્જાય તે પહેલા તૈયારીઓ કરીને બન્ને પક્ષે ગેરકાયદેસર મંડળી રચીને જીવલેણ હથિયારો સાથે આવેલા ઉપરોક્ત તમામ 26 શખ્સોની પોલીસે અટકાયત કરી, આ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 143, 144, 149, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવીએ જાતે ફરિયાદી બની, અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોને પણ ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.