લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી પરપ્રાંતિય યુવતીએ વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં વિપરીત અસર થયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી
આ અંગેની વિગત મુજબ મૂળ ઝારખંડ રાજ્યની વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી શાલીનીકુમારી સુબીરસિંહ નામની 22 વર્ષની પરપ્રાંતીય પરિણીત યુવતીએ ગઈકાલે પોતાના ઘરે વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લેતાં વિપરીત અસર થઈ હતી. અને બેશુદ્ધ બની હતી. જેને સારવાર માટે સિક્કાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ સુબિરસિંહએ પોલીસને જાણ કરતાં મેઘપરના પી.એસ.આઈ વાય.બી.રાણા સહીતનો પોલીસ સ્ટાફ સિક્કા હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી..