જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને ખીમરાણાના યુવાન પાસેથી બાઈકની ખરીદી કરી હતી. જે બાઈકની આર સી બુક લેવા માટે ગયેલા છ શખ્સોએ છરીની અણીએ ધમકાવીને વાહનમાં તોડફોડ કરી હતી. જયારે સામા પક્ષે ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે હુમલો કરી વાહનમાં તોડફોડ કર્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, ખીમરાણા ગામમાં રહેતા ગીરીશ પુંજાભાઈ ધારવીયાને ત્યાં તેના ભાઈએ દિવ્યેશને બાઈક વેંચ્યું હતું. જેથી ગુરૂવારે બપોરના સમયે દિવ્યેશ મઘોડિયા, રજનીકાંત ઉર્ફે ભરત ચૌહાણ, જયેશ, અમિત સહિતના ચાર શખ્સો ગીરીશના ઘરે ખીમરાણા ગામે ગયા હતાં જ્યાં બાઈકની આર.સી.બુક માટે બોલાચાલી કરી અપશબ્દો બોલી અને રજનીકાંતે છરીથી ડરાવી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ બે અજાણ્યા શખ્સોને ફોન દ્વારા બોલાવી છ શખ્સોએ ગીરીશના ફળિયામાં રહેલાં વાહનોમાં તોડફોડ કરી હતી. જ્યારે સામા પક્ષે ગીરીશ અને તેના પિતા પુંજા ધારવીયા તથા ગીરીશનો સાળો સહિતના ત્રણ શખ્સોએ રજનીકાંત અને તેના મિત્ર સાથે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે માથામાં તથા ખંભા ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી વાહનમાં તોડફોડ કરી હતી. હુમલાના આ બનાવ બાદ ઈજાગ્રસ્ત રજનીકાંત સહિતનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
સામા સામા કરાયેલા હુમલાની ઘટનામાં એએસઆઇ એ.બી.સપીયા તથા સ્ટાફે ગીરીશ પુંજા ધારવીયાની છ શખ્સો વિરૂધ્ધ છરીની અણીએ ઢીકાપાટુનો માર મારી વાહનોમાં તોડફોડ કર્યાની અને સામા પક્ષે રજનીકારણ ચૌહાણની ત્રણ શખ્સો એ લાકડાના ધોકા વડે માર મારી વાહનમાં તોડફોડ કર્યાની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખીમરાણામાં આર.સી.બુકના મામલે યુવાનના ઘરમાં ઘૂસી વાહનમાં તોડફોડ
જામનગરનાં છ શખ્સોએ ઘરમાં ઘુસી છરીની અણીએ ધમકાવ્યા : યુવાનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો : સામા પક્ષે પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ : પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી