- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગતસાંજે એક વિપ્ર મહિલાનો લોહી નીતરતી હાલતમાં નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ વૃદ્ધ મહિલાની બોથડ પદાર્થ વડે નિર્મમ હત્યા નિપજાવવાના બનાવ સંદર્ભે જિલ્લાનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપી શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે કલ્યાણપુરના હનુમાન ચોક વિસ્તારમાં રહેતા જટાશંકર વેલજીભાઈ ભોગાયતા નામના એક નિવૃત્ત બ્રાહ્મણ વૃદ્ધ તેમના ધર્મપત્ની જયાબેન સાથે રહેતા હતા. તેઓના બે પુત્રો જામનગર ખાતે સ્થાયી થયા છે અને ગોરપદુ કરી અને તેઓનો જીવન નિર્વાહ ચલાવે છે. કલ્યાણપુર ખાતે રહેતા બ્રાહ્મણ દંપતિ નિવૃત્તિમય જીવન ગુજરી રહ્યા હતા, તે દરમિયાન ગત સાંજે જયાબેન કલ્યાણપુરની બજારમાં રાશન અંગેની ખરીદી કરી અને ગઈકાલે સોમવારે સાંજે પોતાના ઘરે પરત આવ્યા હતા. બાદમાં તેમનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ તેમની સામેના ઘરેથી મળી આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા સ્થાનિક પીએસઆઇ એફ.બી. ગગનીયા તથા તાલુકાનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડીવાયએસપી સમીર સારડા, એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, સી.પી.આઈ. જી.આર. ગઢવી સહિતનો પોલીસ કાફલો પણ કલ્યાણપુર ખાતે પહોંચી ગયો હતો અને સઘન કાર્યવાહી કરી હતી. આ બનાવનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી હતી. ઘટના સ્થળેથી હત્યા માટે સંભવિત રીતે ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થર મળી આવતા આ વૃદ્ધાની હત્યા માથામાં તથા કપાળના ભાગે પથ્થરના ઘા મારીને કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
ગંભીર રીતે ઈજાઓ સાથે મૃત્યુ પામેલા જયાબેનના મૃતદેહને પેનલ પીએમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે આ હત્યા અંગે સ્થાનિક પોલીસે વ્યાપક પૂછપરછનો ધમધમાટ હાથ ધરી કેટલાક શંકાસ્પદ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. તેથી આ નિર્મમ હત્યાનો ભેદ ટૂંક સમયમાં ઉકેલાઈ જાય અને આરોપીની ઓળખ નજીકના ભવિષ્યમાં જ થવાની પૂરી સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક જયાબેન ભોગાયતાના ભત્રીજા કિશનભાઇ દિલીપભાઈ ભોગાયતા (ઉ.વ. 26, રહે. કલ્યાણપુર) ની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 302 તથા 114 મુજબ ગુનો નોંધી, વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ જયાબેન તથા જટાશંકરભાઈ ગત સાંજે બજારમાં કરિયાણું લેવા ગયા હતા અને માલ સામાનની એક થેલી લઇ અને જયાબેન સૌપ્રથમ ઘરે પહોંચી ગયા હતા. શારીરિક રીતે અશક્ત અને કાને ઓછું સાંભળતા જટાશંકરભાઈ પોતાના ઘરે જયાબેનના અડધો કલાક પછી પહોંચતાં તેણી ઘરે જોવા મળ્યા ન હતા અને પાડોશી તથા ભત્રીજાને બોલાવી અને જટાશંકરભાઈ દ્વારા જયાબેનની શોધખોળ હાથ ધરાતા તેમનો લોહી નીતરતી હાલતમાં નિષ્પ્રાણ દેહ સામે રહેલા એક અવાવરૂ અને બંધ મકાનમાંથી મળી આવ્યો હતો. નિવૃત્ત બ્રાહ્મણ પરિવારના વૃદ્ધ મહિલાની ઘાતકી હત્યાના આ બનાવે કલ્યાણપુર પંથક સાથે સમગ્ર સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
- Advertisement -