જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર રોયલ પ્લાઝામાં રહેતાં વણિક યુવાને વ્યવસાય માટે લીધેલા પૈસા પરત મેળવવા માટે બે શખ્સોએ અપશબ્દો બોલી યુવાન સાથે ઝપાઝપી કરી માર મારતા પડી જવાથી ઈજા પહોંચી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી બંદર રોડ પર રહેતાં નિરવ શાહ નામના વણિક યુવાને અબ્રાર ઈસરારખાન પઠાણ નામના વ્યક્તિ પાસેથી વ્યવસાય માટે પૈસા લીધા હતાં જે પૈસા પરત લેવા માટે અબ્રાર પઠાણ અને ઈસરારખાન પઠાણ નામના બે શખ્સોએ ગુરૂવારે સાંજના સમયે દાંડિયા હનુમાનજી મંદિર નજીકના રોડ પર વણિક યુવાનને આંતરીને અપશબ્દો બોલી ઝપાઝપી કરી કપાળના ભાગે મુકો મારતા વણિક યુવાન નીચે પડી ગયો હતો જેના કારણે કપાળમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા હેકો વાય.એમ. વાળા તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.