જામનગર શહેર-જિલ્લામાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રી જેટલો ગગડી જતાં વહેલી સવારે તથા મોડીસાંજે શહેરીજનોએ ઠંડીનો સામનો કર્યો હતો. તો બીજીતરફ બે દિવસથી પવનની ગતિ પણ વધું જોવા મળી રહી છે. જેને પરિણામે સુસવાટા મારતાં ઠંડા પવનને કારણે શહેરીજનો ફરી ગરમ વસ્ત્રોમાં લપેટાવા મજબૂર થયા છે.
જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 6 ડિગ્રીના ઘટાડાને કારણે શહેરીજનો ફરી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. ગઇકાલે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયા બાદ 6 ડિગ્રીના ઘટાડા સાથે આજે પુરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું. આમ 6 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન ઘટી જતાં શહેરીજનો ફરી ઠંડીના ચમકારાનો અહેસાસ કરી રહ્યાં છે. મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા હવામાં ભેનું પ્રમાણ 53 ટકા અને પવનની ગતિ 8.6 કિ.મી. પ્રતિ કલાકની નોંધાયું હોવાનું જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રુમ દ્વારા જણાવાયું છે. મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી હોવાના કારણે સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો તો બીજીતરફ બપોરના સમયે ગરમીના કારણે મિશ્ર ઋતુનો નાગરિકો અહેસાસ કરી રહ્યાં છે.
મિશ્ર ઋતુના પરિણામે તાવ, શરદી, ઉધરસના વાયરલ રોગચાળાના કેસ વધી રહ્યાં છે. જેને પરિણામે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. સુસવાટા મારતા પવનને કારણે મોડીરાત્રીના તથા વહેલી સવારના શહેરીજનો તિવ્ર ઠંડીનો સામનો કરી રહ્યાં છે. ઠંડીનું પ્રમાણ ઘટતાં લોકોએ ગરમ વસ્ત્રો રાખી દીધા હતા. જ્યારે ફરી ઠંડીનો ચમકારો જોવા મળતાં શહેરીજનો દ્વારા ફરી એક વખત ગરમ વસ્ત્રો પહેરવાની જરુરત પડી છે.