જામનગર શહેરના રણજીત રોડ પર કારમાં દારૂની મહેફીલ માણતા ચાલકે કાર બેફીકરાઈથી ચલાવી રીક્ષાને ઠોકરે ચડાવતા ત્રણ વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દારૂ બંધીવાળા ગુજરાતના જામનગર શહેરમાં રાત્રિના સમયે રણજીત રોડ પરથી પુરપાટ આવી રહેલી કારના ચાલકે રીક્ષાને હડફેટે લઇ ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલક સહિતના ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. અકસ્માત થયા બાદ લોકો એકઠા થઈ ગયા હતાં અને અકસ્માત કરનાર કારમાં ચાલક સહિતના લોકો દારૂની મહેફીલ માણી રહ્યા હોવાનું ખુલ્યું હતું. જેમાં કારમાં દારૂના ગ્લાસ અને બાઇટીંગ પણ જોવા મળ્યું હતું. બનાવની જાણ કરાતા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ નશો કરેલી હાલતમાં બે શખ્સોની ધરપકડ કરી હતી.