જામનગર એસઓજી પોલીસે શહેરના યાદવનગર તેમજ નાઘેડી ગામમાંથી દૂધાળા પશુઓ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઈન્જેકશનો સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે બે શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર એસઓજી પોલીસના અરજણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદને યાદવનગર મેઈનબજારમાં આવેલ જયેશ એન્ટરપ્રાઈઝ નામની દુકાનના માલિક મયુર ઉકાભાઈ ભાટુ પોતાની દુકાનમાં ગાય-ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઈન્જેકશનો રાખી તેનું લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.12,720 ની કિંમતની 318 નંગ વધુ દુધ આપે તેવા ઈન્જેકશનોની પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલો સાથે મયુર ઉકાભાઇ ભાટુ નામના શખ્સને ઝડપી લીધો હતો. આ દરમિયાન વિશાલ મેરામણ ભાટુ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, એસઓજીના અરજણભાઈ કોડીયાતર તથા ચંદ્રસિંહ જાડેજાને નાઘેડી ગામ ધાર વિસ્તારમાં આવેલ ચામુંડા પાન એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાનના માલિક બાબુ ભુરા છૈયા પોતાની દુકાનમાં ગાય-ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઈન્જેકશનો રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેથી એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.240 ની કિંમતના છ નંગ પ્રતિબંધિત ઈન્જેકશનોના પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલો સાથે બાબુ ભુરા છૈયા નામના શખ્સને ઝડપી લીધો હતો તેમજ મહેશ જગા વરૂ નામના શખ્સની હાથ ધરી હતી.