નવરાત્રીને લઈ જામનગરમાં ઠેક ઠેકાણે ગરબાના આયોજનો થતા હોય છે તેમાં શહેરના હાથી કોલોની વિસ્તારમાં નાની બાળાઓ જ્યારે પરંપરાગત વસ્તુઓ અને આભૂષણોમાં સજ્જ થઈ ચોકમાં ગરબે રમવા માટે ઉતરે ત્યારે સાક્ષાત માઁ ભગવતી રાસ રમતી હોય તેવો અહેસાસ થાય છે. હાથી કોલોની વિસ્તારમાં શેરી નંબર 1માં આશાપુરા ગ્રુપ આયોજિત ગરબીમાં નાની નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે.
મહત્વનું છે કે, સામાન્ય રીતે પુરુષો કે છોકરાઓ હાથમાં તલવાર લઈને ગરબા રમતા હોય છે. આશાપુરા ગ્રુપ આયોજિત ગરબી મંડળમાં નાની બાળાઓના હાથમાં તલવાર જોઈને જોનારા દંગ થઇ જાય છે. હાલ જામનગરમાં 44 વર્ષ જૂની આશાપુરા ગરબીમાં નાની બાળો તલવાર રાસ ગરબામાં મહિલાઓ આગળ આવે અને આજની મહિલા પુરુષ સમોવડી અને પુરુષ કરતા પણ વધારે આગળ છે અને નારી પોતાની રક્ષા ખુદ કરી શકે છે તેવા સંદેશ સાથે હાથમાં દાંડિયાના બદલે તલવાર લઇ રાસ રમે છે. આ રાસ જોવા દૂર-દૂરથી લોકો અહીંયા આવે છે અને રાસ જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે. જામનગરમાં નાની-નાની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં તલવાર રાસ રમી મહિલાઓને આગળ વધવાની હિંમત આપે છે અને કહે છે મહિલાઓને ઘરમાં બેસી ના રહેવું જોઈએ અને રસોડાની રાણીમાંથી બહાર નીકળે તો તે કોઈ પણ સામે લડી શકે છે એવો એક સંદેશો આપતા તેઓએ આ રાસ દ્વારા મહિલાઓને જણાવ્યું છે.
આ આયોજનને સફળ બનાવવા કે. કે. વિસરીયા (એડવોકેટ), પીયૂષભાઈ હરિયા, નિલેશભાઈ હરિયા, હરેશભાઈ શુક્લ, રૂપેણ તન્ના, હિતેશભાઈ દોઢીયા, મિલનભાઈ હરિયા, મીતેનભાઈ બિદ, વિપુલભાઈ મારૂ, સંજયભાઈ દોસ્તી, પારસભાઈ હરિયા, હર્ષભાઈ હરિયા, જયેશભાઈ આશર સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવે છે. જ્યારે કોરિયોગ્રાફર તરીકે ખુશી હરિયા અને ભૂમિ ચાન્દ્રા સેવા આપે છે.


