જામનગર પીજીવીસીએલની ટીમો દ્વારા શહેર અને જિલ્લામાં ચેકીંગ કામગીરી અંતર્ગત આજે ત્રીજા દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં ધ્રોલ, જોડિયા, કાલાવડ સહિતના ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે વીજચેકીંગ દરમ્યાન 426 જોડાણોમાંથી 79માં ગેરરીતી ઝડપાતા 29.90 લાખના બીલો ફટકાર્યા હતાં. આમ પીજીવીસીએલએ 3 દિવસમાં 270 જોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા.89.80 લાખના બીલો ફટકાર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ શહેર અને જિલ્લામાં સોમવારથી વીજચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી આજે ત્રીજા દિવસે જિલ્લામાં ધ્રોલ ગ્રામ્ય, જોડિયા, કાલાવડ ઈસ્ટ-વેસ્ટ સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારમાં 36 ટીમો દ્વારા 14 એસઆરપી, 26 લોકલ પોલીસ અને ત્રણ વીડિયોગ્રાફરોના બંદોબસ્ત સાથે ચેકીંગ દરમ્યાન 426 જોડાણો તપાસતા 79 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા 29.90 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં. આ પૂર્વે પીજીવીસીએલ દ્વારા સોમવારે પ્રથમ દિવસે ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝન, નગરસીમ અને જામનગર રૂરલ એસડીએમ અંડર સીટી 2 ડીવીઝન જામનગર સર્કલ હેઠળ આવતા પાણાખાણ, ગોકુલનગર, સાધના કોલોની, દરેડ સહિતના વિસ્તારોમાં વીજચોરી અંગે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 37 ટીમો દ્વારા 535 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. તેમાંથી 87 વીજમીટરોમાં ગેરરીતિ જોવા મળતા કુલ 29.75 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.
તેમજ મંગળવારે પટેલ કોલોની સબ ડિવિઝન, સાતરસ્તા સબ ડિવિઝન, દરબારગઢ એસડીએમ સીટી-1, પીજીવીસીઅલ દ્વારા સમાણા એસડીએમ, જામજોધપુર સર્કલ હેઠળ આવતાં વિવિધ વિસ્તારો જેવા કે, જામનગર શહેરના રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, યાદવનગર, વુલનમિલ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 40 ટીમો દ્વારા 18 એસઆરપી જવાન, ચાર લોકલ પોલીસ અને 3 વીડિયો ગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે કુલ 564 વીજજોડાણો તપાસવામાં આવ્યાં હતાં તે પૈકીના 104 માંથી ગેરરીતિ ઝડપાતા રૂા.30.15 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ બે દિવસ દરમિયાન પીજીવીસીએલની ટીમ દ્વારા કુલ 1099 વીજ જોડાણોમાંથી 191 માં ગેરરીત ઝડપાતા રૂા.59.90 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.