મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથીરાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમાની જ એક યોજના એટલે ગંગા સ્વરૂપા યોજના, જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે દર મહિને સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને પેન્શનરૂપે રૂા.1,250 ની આર્થિક સહાય પુરી પાડવામા આવે છે.
જેમા જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં આ યોજનાનો લાભ ગંગા સ્વરૂપા બહેનોને આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ચાલું વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેઓના ખાતામાં રૂા. 5,37,85,000ની રકમ જમા કરાવવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ યોજના હેઠળ મળતી રકમ લાભાર્થી બહેનોના ખાતામાં સીધી જ બેનિફિશયરી ટ્રાન્સફરથી જમા થઇ જાય છે.આ યોજના અન્વયે જામનગર જિલ્લામાં કુલ 20,600 ગંગા સ્વરૂપ બહેનો નોંધાયેલ છે. જેમના ખાતામાં ફેબ્રુઆરી માસમાં રૂ. 5.37 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત આ ગંગાસ્વરૂપા બહેનોને પેન્શન સબંધિત કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તેના નિવારણ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,જામનગર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.હેલ્પલાઇન નં. 0288-2550059 નંબર પર બહેનો ફોન કે વ્હોટસએપના મધ્યમથીપોતાની રજૂઆત કરી શકે છે તેમજ જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. આ મહિલાઓએ પોતાનું પૂરું નામ, ગામ અને તાલુકા સાથે રજૂઆત કરવા મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભામ્ભી દ્વારા અનુરોધ કરાયો છે જેથી તેમની સમસ્યાનું ઝડપી નિવારણ લાવી શકાય.