જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં 98 અને ગ્રામ્યના 61 કેસ મળી 159 કેસ નોંધાયા છે. તો 263 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 48 કલાક દરમિયાન બે દર્દીઓનું મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડ થી 26 દર્દીના મોત નિપજ્યા છે.
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઘટતું જાય છે અને મૃત્યુનું પ્રમાણ પણ સાથે સાથે ઘટી રહ્યું છે. જે મહદઅંશે રાહત છે. જો કે, છેલ્લાં દશેક દિવસથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આ સંક્રમણમાં પોઝિટિવ કેસો અને મૃત્યુઆંક ઘટતો જાય છે જ્યારે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે જેથી સરકારી હોસ્પિટલોમાં હાલની પરિસ્થિતિમાં કોવિડના દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં છેલ્લાં બે સપ્તાહથી શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મહદઅંશે ઘટાડો થઈ જતાં એક માસ પૂર્વે દરરોજના 700 કેસોની સરખામણીએ આજે માત્ર 100 થી 125 કેસો જ પોઝિટિવ આવે છે અને કોવિડથી થતાં મૃત્યુનો આંકડો પણ ઘટી ગયો છે. અગાઉ દરરોજ આશરે 70 જેટલા દર્દીઓના કોવિડથી બિનસત્તાવાર મૃત્યુ થતાં હતાં.
જામનગર શહેરમાં છેલ્લાં 48 કલાક દરમિયાન 98 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 154 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 61 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 386226 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 284395 સેમ્પલનું પરીક્ષણ થયું છે અને સત્તાવાર રીતે કુલ બે વ્યકિતનું કોરોનાથી મોત નિપજયું છે. જ્યારે છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગરમાં 26 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. આજની સ્થિતિએ જી.જી.હોસ્પિટલમાં કુલ 397 દર્દીઓ અને રિલાયન્સ હોસ્પિટલમાં 87 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે મ્યુકોરમાઈકોસિસના 133 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.
જામનગર જિલ્લામાં 263 દર્દીઓ કોરોનામુકત
48 કલાક દરમિયાન શહેરમાં 98 અને ગ્રામ્યમાં 61 દર્દી ઉમેરાયા: શહેરમાંથી 154 અને ગ્રામ્યમાં 109 દર્દી સાજા થયા : જિલ્લામાં બે દર્દીઓના મોત : બિનસત્તાવાર મૃત્યુઆંક 26 : મ્યુકોરમાઈકોસિસના 133 દર્દીઓ સારવાર હેઠળ