જામનગરમાં રણજીતસાગર રોડ પર આલાપ સોસાયટીમાં ભેંસને શોધવા ગયેલા બે મિત્રો ઉપર માતા અને પુત્ર સહિત ત્રણ શખ્સોએ બેટ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આલાપ સોસાયટીમાં રહેતો અને અભ્યાસ કરતો ભૌતિક વીરાભાઈ હરણ નામનો યુવક તેની ભેંસ ઘરે પરત ન આવતા રવિવારે સવારના સમયે તેના મિત્ર સાથે શોધવા ગયો હતો ત્યારે સોસાયટીના ગેઈટ પાસે ક્રિકેટ રમતા છોકરાઓનું બેલા વાળુ સ્ટમ્પ પડી જતા સેમ નરેન્દ્રસિંગ રાજપૂત નામના શખ્સે બેલું કેમ પાડયું ? તેમ કહી ભૌતિકને ઢીકાપાટુનો માર મારી લાકડાના બેટ વડે લમધારી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ સેમની માતા અને બહેન દ્વારા ભૌતિકના મિત્રને પકડી રાખી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી બેટ વડે કપાળમાં ઈજા પહોંચાડી હતી. આ બનાવની જાણના આધારે પીએસઆઈ આઈ.આઇ.નોયડા તથા સ્ટાફે ભૌતિકના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.