જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ગઈકાલે મંગળવારે સવારથી ધાબળિયા વાતાવરણ વચ્ચે સુસવાટા મારતા પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે માવઠું જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલ્ટાને પગલે ગઈકાલે જામનગરમાં સુર્યનારાયણ દેવના અલપ ઝલપ દર્શન વચ્ચે દિવસ દરમિયાન ધાબડિયુ વાતાવરણ રહ્યું હતું. જેના પરિણામે વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. જેના પરિણામ જનજીવન પ્રભાવિત થયું હતું.
જામનગરમાં ગઈકાલે મંગળવારે ધાબડિયા માહોલ વચ્ચે સુસવાટા મારતા પવનથી લોકોએ તિવ્ર ઠંડીનો સામનો કર્યો હતો. જામનગર કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર શહેરમાં મહત્તમ તાપમાન 28.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 18.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે જામનગરમાં સૂર્યનારાયણ મહદઅંશે અદ્રશ્ય રહેતા વાતાવરણમાં ટાઢક જોવા મળી હતી. રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદને પરિણામે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બીજી તરફ પવનનો વેગ પણ વધતાં જનજીવનને અસર થઈ હતી. લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતાં. સુર્યાસ્ત બાદ વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી હતી. ઠંડીના વધારાના ગરમ વસ્ત્રોની સાથે લોકો ચા-કોફી, સૂપ સહિતની ગરમ વાનગીઓનો સહારો લેતાં પણ નજરે પડયા હતાં.
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી માવઠું તથા વાતાવરણમાં પલટા સાથે ખંભાળિયા ઉપરાંત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. ગઈકાલ બાદ આજે ગુરુવારે સવારથી સવારથી મહદ અંશે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. એટલું જ નહીં, ઘટાટોપ મેઘાવી માહોલ વચ્ચે એકાએક વાતાવરણમાં ઠંકક પ્રસરી હતી. માવઠાની શક્યતાઓ સાથે ઠંડીનું પ્રમાણ વધતાં જનજીવન પ્રભાવિત બન્યું છે.