પાંચ રાજ્યોમાં તાઉ-તે વાવાઝોડાને લઈને એલર્ટ છે. સાયકલોન હવે ભીષણ તોફાનમાં બદલાઈ ગયું છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ તૌકતે આગામી 24 કલાકમાં ગંભીર અને તે પછી ખૂબ ગંભીર સાયકલોનમાં રૂપાંતરિત થઈ જશે. ચક્રવાતથી અત્યાર સુધીમાં કર્ણાટકમાં ચાર લોકોના મોત થયા છે. ‘તૌકતે’ ચક્રવાતની અસર કર્ણાટકમાં દેખાવા માંડી છે. છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે લગભગ 73 ગામો પ્રભાવિત થયા છે જ્યારે 4 લોકોનાં મોત નીપજ્યાં છે. ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર ઝાડ પડી ગયા છે અને તેના કારણે નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોને પણ નુકસાન થયું છે. ગોવાના કિનારે ભારે પવનની સાથે મૂશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. વાવાઝોડાની આશંકાને પગલે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયેલું છે.