- Advertisement -
કોરોના મહામારી સામે તરૂણોને પણ સુરક્ષા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આજથી સમગ્ર દેશમાં 15થી 18 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજથી ઉપરોક્ત વયમર્યાદા ધરાવતા તરૂણોને કોરોના વેક્સિન આપવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 38 હજારથી વધુ તરુણો 15 થી 18 વર્ષની વય વચ્ચેના છે. જેમાં બે દિવસ પૂર્વે શરૂ કરવામાં આવેલી ઓનલાઇન નોંધણી બાદ આજરોજ સોમવારે પ્રથમ દિવસે સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવેલી વેક્સિનેશનની કામગીરી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી.
જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં કુલ 140 સ્થળોએ 500 જેટલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી વેક્સિનેશનની આ કામગીરીમાં 13,700 જેટલા બાળકોને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી.
આમ, એક દિવસમાં 36 ટકા જેટલા બાળકોને કોરોના વેક્સિન વડે સુરક્ષિત કરવામાં આવ્યા હતા. જે માટે જિલ્લા કલેકટર એમ.એ પંડ્યા તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયાની રાહબરી હેઠળ તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
- Advertisement -