કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ 2013માં પોતાના મત વિસ્તાર રાયબરેલીમાં મોર્ડન રેલ કોચ ફેકટરી શરૂ કરી હતી.જ્યાં રેલવે કોચ માટેના પૈડા બનવાના હતા.
આ માટે 50 એકર જમીન સરકારે ફાળવી હતી.ફેક્ટરીની જવાબદારી રાષ્ટ્રીય ઈસ્પાત લિમિટેડને આપવામાં આવી હતી. અહીંયા 2017-18માં દાવો કરવામાં આવ્યો હતો કે, ફેક્ટરીમાં જર્મની ટેકનિકથી દર વર્ષે એેક લાખ પૈડા બનશે. પણ રસપ્રદ વાત એ છે કે, આઠ વર્ષમાં અહીંયા માત્ર 75 પૈડા જ બની શક્યા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે ફેકટરી બનાવવા માટે 1683 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આમાંથી 1600 કરોડ રૂપિયા ખર્ચી ચુકાયા છે અને તેની સામે માત્ર 75 પૈડા બન્યા છે. નિર્માણ થયેલા પૈડાની ગુમવત્તાની તપાસ પણ હજી પૂરી થઈ નથી.
આમ આઠ વર્ષ બાદ પણ આ ફેકટરી હજી ટ્રાયલ લેવાની સ્થિતિમાં જ છે. સૂત્રોનુ કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય બિડિંગમાં જર્મનીની એસએમએસ કંપનીને ફેક્ટરી નિર્માણ અને ઉત્પાદનની કામગીરી સોંપવામાં આવી હતી. 36 મહિનામાં તેની ઈમારત તૈયાર થવાની હતી. આ ફેકટરી માટે જર્મન નિષ્ણાતો પર આધાર રાખવો પડે તેમ હોવાથી હાલમાં આ ફેક્ટરી ટ્રાયલ પિરિયડમાં જ છે.
જે 75 પૈડા બન્યા છે તેની ગુણવત્તાની હાલમાં તપાસ ચાલી રહી છે. કારખાનાને હાલમાં 1000 લોકોમોટિવ વ્હીલ અને 5000 એલએચબી વ્હીલ બનાવવાનો ઓર્ડર મળેલો છે.