દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક મળી હતી. બેઠકમાં કપડા પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા પર સહમતિ સધાઈ ન હતી. પરીણામે કાપડ પર 5% GST યથાવત જ રહેશે. 12% GST કરવા પરના નિણર્યને હાલ લાગુ કરવામાં આવ્યો નથી. પરિણામે ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને ગુજરાતમાં સુરતના વેપારીઓને મોટી રાહત થઇ છે.
GST કાઉન્સિલની 46મી બેઠકમાં ભાગ લેનારા ઘણા રાજ્યોના નાણા મંત્રીઓ સપ્ટેમ્બરમાં કાપડ અને ફૂટવેર ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની વિરુદ્ધમાં છે. 1000 રૂપિયા સુધીના શૂઝ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. બીજી તરફ જો કપડાંની વાત કરીએ તો મેનમેઇડ ફાઇબર, યાર્ન અને ફેબ્રિક્સ પર GSTનો દર હાલમાં 18 ટકા, 12 ટકા અને 5 ટકા છે. શુઝની જેમ 1,000 રૂપિયાના કપડાં પર 5 ટકા જીએસટી લાગે છે. આર્ટિફિશિયલ અને સિન્થેટિક કપડાં પર જીએસટીનો દર બદલીને 12 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ કોટન, સિલ્ક, વૂલ જેવા કપડા પર 5 ટકા ટેક્સ લાગે છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વધતા ખર્ચ અને કોવિડ-19 રોગચાળાની બીજી લહેરની આર્થિક અસરને કારણે સરકાર ઓછી આવકનો સામનો કરી રહી છે. સરકારે નવેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી હતી. તેનાથી સરકાર પર પણ બોજ વધ્યો. આવી સ્થિતિમાં, સરકાર ટેક્સટાઇલ પર જીએસટી વધારીને આવકની સ્થિતિમાં થોડો સુધારો ઇચ્છે છે.
નાણાપ્રધાને કહ્યું કે, આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કાપડના જીએસટી દરને સમીક્ષા માટે કમિટીને મોકલવામાં આવશે. કમિટી ફેબ્રુઆરીમાં પોતાનો રિપોર્ટ આપશે. આ પછી ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં બેઠકમાં સમિતિના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે.