લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં આવેલા ખેતરમાં લઇ જઇ પ્રેમિકાને બોથડ પદાર્થ તથા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાના બનાવને એક સપ્તાહ થયું હોવા છતા હજુ પણ હત્યારો પોલીસ પકડથી દૂર છે. આ હતિયારાની તાત્કાલિક ધરપકડ કરવા મૃતક યુવતીના પિતા તથા ગામવાસીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં બનેલી અરેરાટીજનકની હત્યાની ઘટનામાં લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતો ભાવેશ રણછોડ સોનાગરા નામનો શખ્સ દરેડ જીઆઈડીસીમાં બ્રાસના કારખાનામાં મિસ્ત્રીકામ કરતો હતો. તે દરમિયાન તેના જ કારખાનામાં મજૂરી કામ કરતી અર્ચના મનસુખભાઈ કણઝારિયા (ઉ.વ.23) (રહે. ચેલા) (જિ.જામનગર) નામની યુવતીને ભાવેશે વાતચીત કરી વિશ્ર્વાસમાં લઇ પ્રેમજાળમાં ફસાવી હતી અને ગત તા.4 એપ્રિલના રોજ યુવતીના જન્મદિવસે જ તેણીને ફોસલાવી ધમકાવીને રાત્રીના સમયે ઘરેથી ભગાડીને લઇ ગયો હતો. ત્યારબાદ વહેલીસવારના 4:45 કલાકે યુવતીના પિતા મનસુખભાઈને મોબાઇલ પર વોટસએપ કોલ કરી ‘હું ભાવેશ સોનાગરા બોલું છું તમારો વોટસએપ નંબર ઉપર મેસેજ કર્યો છે તે જોઇ લ્યો’ તેમ કહી ફોન મૂકી દીધો હતો.
ત્યારબાદ મનસુખભાઈએ વોટસએપમાં ભાવેશે મોકલેલી ઓડિયો કલીપ સાંભળતા પિતા ધ્રુજી ઉઠયા હતા કેમ કે ઓડિયો કલીપમાં પુત્રી અર્ચનાનો અવાજ હતો અને ગભરાયેલી હાલતમાં બોલતી હતી જેથી મનસુખભાઈએ તેના ભાઈ તથા પરિવારજનોને જાણ કરી પરિવારજનો નાની રાફુદડ ગામે દોડી ગયા હતાં. જ્યાં સરપંચને સાથે રાખી ભાવેશ સોનગરાના કાકાના ખેતરે પહોંચ્યા હતાં. બાજુની વાડીવાળા પાલાભાઈ કરમુર અને પરબતભાઈ કરમુર મળ્યા હતાં. તેમણે કહ્યું કે, વહેલીસવારના સમયે જેન્તીભાઈની વાડીની ઓરડીમાંથી રાડારાડી અને દેકારો સાંભળ્યો હતો. ત્યારબાદ ભાવેશે અમારી પાસે આવી અને ‘મારા કાકાની વાડીએ ઓરડી પાસે ઝઘડો થયેલ છે’ તેમ કહી જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતીના પિતા અને સરપંચ સહિતના વ્યક્તિઓ તાત્કાલિક ભાવેશના કાકા જેન્તીભાઈની વાડીએ દોડી ગયા હતાં.
સરપંચ અને યુવતીના પિતા સહિતના વ્યક્તિઓ જેન્તીભાઈની વાડીએ પહોંચી ઓરડીમાં તપાસ કરતાં મનસુખભાઈ અને તેમના પરિવારજનોના હોંશ ઉડી ગયા હતાં કેમ કે ઓરડીમાં તેની પુત્રી અર્ચના લોહી લુહાણ હાલતમાં નિષ્પ્રાણ પડી હતી અને અર્ચનાના ગળાના ભાગે બોથડ પદાર્થ તથા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. બાદમાં મૃતકના પિતાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે ભાવેશ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં ભાવેશ અગાઉ પણ રાજકોટમાં એક હત્યાના ગુનામાં તથા જામનગર તેમજ કલ્યાણપુર તાલુકામાં સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું હતું. આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ગુનેગાર ખુલ્લેઆમ બેખોફ ફરી રહ્યો છે અને હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. જેથી મંગળવારે સાંજે યુવતીના પિતા અને અન્ય લોકોએ આ નરાધમ હત્યારાની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે સંદર્ભે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનું આવેદનપત્ર પાઠવ્યું હતું.