ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગેરકાયદેસર રીતે માછીમારીની આડમાં ડીઝલની ખરીદી કરી અને અન્ય માછીમારી કરતા લોકોને આ ડીઝલ વેચાણ કરવા અંગેના કૌભાંડમાં એસ.ઓ.જી. પોલીસે રૂપિયા 1.08 લાખની કિંમતનું 1,200 લિટર ડીઝલ કબજે કરી, બે શખ્સોને ઝડપી લીધા છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.એમ. ગોહિલ અને પી.એસ.આઈ. કે.એમ. જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સલાયા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલ મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયાના શફી ઢોળો વિસ્તારમાં રહેતા બિલાલ ઓસમાણ ભાયા નામના 35 વર્ષના માછીમાર શખ્સ દ્વારા પુરવઠા અધિકારી કે સક્ષમ અધિકારીની મંજૂરી વગર ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાથી આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરોક્ત આરોપી દ્વારા પોતાની માછીમારી બોટનું માછીમારી કરવા અંગેનું ફિશરીઝ વિભાગનું જરૂરી ટોકન મેળવ્યા વગર બાર્જમાં રાખવામાં આવેલું રૂપિયા 1,08,000ની કિંમતનું 1,200 લિટર ડીઝલ પોલીસે જપ્ત કર્યું છે. આ ઉપરાંત અન્ય એક આરોપી આમદ સલેમાન હારૂન હુંદડા (ઉ.વ. 35, રહે. પરોડીયા રોડ, સલાયા) દ્વારા બાર્જના ઓપરેટર સાથે ટેલિફોનિક વાત કરીને જુદા જુદા પાંચ બેરલમાં રૂપિયા 1.08 લાખની કિંમતનું 1,200 લીટર ડીઝલ આરોપી બિલાલ ભાયા પાસેથી ઓનલાઈન ગૂગલ પે મારફતે ડીઝલના નાણાં ચૂકવી અને મેળવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ ઉપરાંત અન્ય એક આરોપી એવા બાર્જના ઓપરેટર દ્વારા આરોપી આમદ સલેમાનના કહેવાથી આરોપી બિલાલ ભાયાને ગેરકાયદેસર રીતે ઉપરોક્ત ડીઝલનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે.
જેથી સલાયા મરીન પોલીસે ઉપરોક્ત શખ્સો સામે બી.એન.એસ. સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. કે. કે. ગોહિલ, પી.એસ.આઈ. કે.એમ. જાડેજા, હરદેવસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, મહાવીરસિંહ ગોહિલ અને કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.


