જામનગરની વોટર વર્કસ શાખામાં તાજેતરમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરના પદેથી નિવૃત્ત થયેલા અધિકારી પી.સી. બોખાણીને સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને કમિશનર દ્વારા છ મહિનાના કોન્ટ્રાકટ બેઇઝ પર ગેરકાયદે નિમણૂંક આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખિલજીએ કર્યો છે. તેમણે આ નિમણૂંક તાકિદે રદ્ કરવા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં વિપક્ષના પૂર્વનેતા અસ્લમ ખિલજીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે તા. 11-11-2021ના એક પરિપત્ર બહાર પાડી જેમાં નિવૃત્ત થતાં કોઇપણ અધિકારીઓને કોન્ટ્રાકટ બેઇઝ પર રાખવા માટે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી લેવી જરુરી હોવાનું જણાવ્યું છે. તેમ છતાં જામનગર મહાપાલિકાએ તાજેતરમાં વોટર વર્કસ શાખામાંથી નિવૃત્ત થયેલા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણીને છ મહિના માટે કરાર આધારિત ઓફિસર ઓફ સ્પેશ્યલ ડ્યૂટી તરીકેની કામગીરી માટે નિમણૂંક આપવામાં આવી છે. જે સરકારી પરિપત્રનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં ગેરકાયદે ફરજ બજાવતાં આ પ્રકારના કોન્ટ્રાકટ બેઇઝ અધિકારીની જવાબદારી કઇ રીતે નક્કી કરી શકાય? બીજીતરફ બીપીએમસી એકટમાં કોઇપણ અધિકારી કર્મચારીને છ મહિના માટે કરાર આધારિત નિમણૂંક આપવાની સત્તા કમિશનરને આપવામાં આવી છે. જે સત્તા આધારીત કમિશનરે આ નિમણૂંક કરી હોવાનું સમજાય છે.
જો કે, રાજ્ય સરકારની મંજૂરી લેવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાનું કમિશનર કાર્યાલયમાંથી જાણવા મળ્યું છે. આમ, પી.સી. બોખાણીની નિમણુંકને લઇને કાનૂની અને ટેકનિકલ ગુંચવણ પણ ઉભી થઇ શકે છે. મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં અસ્લમ ખિલજીએ જણાવ્યું છે કે, જામ્યુકોની વોટર વર્કસ શાખામાં હાલ પી.સી. બોખાણીના અંડરમાં 300 કરોડથી વધુના કામો ચાલુ છે. જે અત્યંત ગંભીર બાબત છે. આટલી મોટી સંખ્યામાં અને મોટી રકમના કામો ચાલી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારની મંજૂરી વગર આટલી મોટી જવાબદારી આપી શકાય જ નહીં.
જામ્યુકોમાં પી.સી. બોખાણીને અપાયેલી ગેરકાયદે નિમણૂંક તાકિદે રદ્ કરવા અને જામ્યુકોના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.