સુરત શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાલક્ષી જાહેરાત કરી છે. જેમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આગામી 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈની પાસેથી દંડ નહીં ઉઘરાવવામાં આવસે નહીં.જો કે લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન થાય,તે માટે પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપવામાં આવશે. ગઈકાલે સુરતમાં‘સેફ સુરત-સેફ દિવાળી’નામે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસ કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવશે.આ ઉપરાંત દિવાળીના પર્વ નિમિત્તે ચોરી-લૂંટફાટ જેવી ઘટનાઓ ના બને, તે માટે નાગરિકોને પણ તકેદારી રાખવી જરૂરી હોવાનું જણાવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં તેઓએ જનતા માટે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે,દિવાળીના પર્વ દરમિયાન નાગરિકો ખરીદી કરવા જતા હોય છે. કોઈ પરિવાર સાથે મંદિરમાં પૂજા કરવા જતું હોય છે.
આવા સમયે તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું કે,આજથી ચાલુ થઈને આગામી 27 ઓક્ટોબર ગુરૂવારના રાતે 12 વાગ્યા સુધી ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ દંડ ઉઘરાવવામાં નહીં આવે અને તમારી બચતની રકમ પોલીસના દંડમાં ના જાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે.
ગૃહમંત્રી આવી જાહેરાતથી બચી શકયા હોત
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમ તોડનારને નહીં દંડવા કરેલી જાહેરાત એક રીતે લોકોને નિયમ તોડવા માટે પ્રોત્સાહિત કરતી હોવાનું સમાજનો એક મોટો વર્ગ માની રહ્યો છે. હેતુ ભલે ગમે તેટલો સારો હોય પરંતુ ગૃહમંત્રી નિયમ ભંગ અંગેની આ પ્રકારની સીધી જાહેરાતથી બચી શકયા હોત. આ જ બાબત તેઓ આડકતરી રીતે નાગરિકો સુધી પહોંચાડી શકયા હોત. પરંતુ અતિ ઉત્સાહમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તેઓ અતાર્કિક જાહેરાતની જાહેર ઘોષણા કરી ચૂકયા હોવાનું બુધ્ધિજીવીઓ માની રહ્યા છે. એટલું જ નહીં તેમની નિયમ તોડવા પ્રોત્સાહન આપતી આ જાહેરાતની પોલીસના મોરલ ઉપર પણ વિપરીત અસર થઇ શકે છે. જયારે વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોને લઇને ખોટો સંદેશ પણ જઇ શકે છે.