સામાન્ય માણસના મનમાં પોલીસ સ્ટેશન વિશે વિવિધ પ્રકારના ડર હોય છે. આમ આદમી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતાં પણ ડરતો હોય છે. ઘણાં લોકોને પોલીસ સ્ટેશનમાં શું ચાલતું હોય છે તે જાણવાની પણ જીજ્ઞાસા હોય છે. જો કે, પોલીસ સ્ટેશન જવાનો અથવા પોલીસ સ્ટેશનની કામગીરી વિશે જાણવાનો મોકો બધાને મળતો હોતો નથી.
સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે, પોલીસ સ્ટેશનમાં પોલીસની પરવાનગીવિના ચકલું પણ ફરકી ન શકે. સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં સામાન્ય વ્યકિત તરીકે કોઇને જવાનું થાય ત્યારે તેના પર પૂછપરછના રૂપમાં પ્રશ્ર્નોનો વરસાદ વરસતો હોય છે. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, પોલીસ સ્ટેશન જેવાં સંવેદનશીલ સ્થળે કોઇના દ્વારા વિડિયો રેકોર્ડિંગ થઇ જાય અને આ રેકોર્ડિંગ વાયરલ બની જાય પછી છેક પોલીસને ખબર પડે કે, અલ્યા આપણી તો ફિલમ ઉતરી ગઇ !
આવો એક બનાવ તાજેતરમાં જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બની ગયો. પોલીસની ફિલમ ઉતરી ગઇ છે અને હજારો લોકોએ આ ફિલમ રસથી જોઇ પણ છે.
‘ખબર ગુજરાત‘ દ્વારા આજે શુક્રવારે સવારે આ મુદ્દે સીટી ડિવાયએસપી નિતેશ પાંડેની કચેરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે, સીટી સી ડિવિઝનના વિડિયો પ્રકરણ અંગે આપની કચેરી દ્વારા કોઇ પગલાં દાખલા તરીકે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરનો ખુલ્લાસો પુછવો કે, એવા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? આ પ્રશ્ર્નના જવાબમાં સીટી ડિવાયએસપીની કચેરીએ જણાવ્યું છે કે, સાહેબ બે દિવસથી વ્યસ્ત છે તેથી સીટી સી ડિવિઝન પ્રકરણ અંગે અત્રેની કચેરીએથી હાલ સુધી કોઇ કાર્યવાહી થયાનું જાણમાં નથી.
આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં પોલીસની ફિલમ ઉતરી ગઇ છે. તે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલિયાનો પણ ‘ખબર ગુજરાત’ દ્વારા ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે, બનાવ વખતે કોઇએ પોલીસ સ્ટેશનની સમગ્ર ઘટનાનો વ્યવસ્થિત રીતે વિડિયો બનાવી લીધો ત્યારે પોલીસ સ્ટેશનમાં કોઇને જાણ થઇ ન હતી? આ પ્રશ્ર્નના જવાબમાં પીઆઇ એમ.આર.ગોંડલિયાએ જણાવ્યું છે કે, કોઇ છૂપી રીતે વિડિયો બનાવી લ્યે તોકઇ રીતે ખબર પડે ?!
આ સમગ્ર પ્રકરણ પરથી એક વાત એ પ્રકાશમાં આવી છે કે, પોલીસ સ્ટેશન જેવી સંવેદનશીલ જગ્યામાં પણ છૂપી રીતે પોલીસની ફિલ્મ ઉતારી લેનારાઓ પડયા છે. અત્રે એ ઉલ્લેખીય છે કે, આ મામલે બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉતારવામાં આવેલાં અને વાયરલ થયેલાં આ વિડિયો મુદ્દે આ ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ ઓ.એ.સુમરાએ ખુદ ફરિયાદી બની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગૌતમ ઉર્ફે કારા માવાણી તથા સિંકદર દલવાણી એમ બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. સીટી બી ડિવિઝનના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ આઇ.ટી.એકટની કલમ 72 તથા સતાવાર રહસ્યોના કાયદા-1923ની કલમ 7 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ વાયરલ વિડિયોએ ભારે ચકચાર મચાવી છે.