‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ તે કહેવતને સાર્થક કરી છે; વડગરના કહીપુરના યુવાન કેડેટ હેમલ શ્રીમાળીએ. તાજેતરમાં તેમણે ખુબ અઘરી ગણાતી યુ.પી.એસ.સી.(એન.ડી.એ)ની પરીક્ષા પાસ કરી મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે પ્રશિક્ષણ માટે જોડાયો છે, તે પ્રશિક્ષણ પ્રાપ્ત કરી લેફ્ટીનન્ટ બનશે. કેડેટ હેમલે માત્ર પાંચ વર્ષની ઉંમરે સૈનિક બનવાનું સપનુ જોયું હતું. જ્યારે તે બાલમંદિરમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેમને કોઈ પૂછે કે બેટા તારે શું બનવું છે ? ત્યારે તે કહેતો: ‘મારે સૈનિક બની દેશની સેવા કરવી છે’ ઉંમર નાની પણ ઉચ્ચ મહત્વકાંક્ષા અટલે પાંચ વર્ષની ઉંમરે જોયેલું આ સપનું માત્ર 17 વર્ષની ઉંમરે સાકાર કર્યું.
તેમના પિતા મુકેશભાઈ અમદાવાદમાં રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે, ત્યારે તેમના માટે પુત્રનું આ સપનું સાકર કરવું મુશ્કેલ હતું. સાથે તેમના પરિવારમાં પણ કોઈ વધારે ભણેલ નહીં તથા ભારતીય સેનામાં કોઈ જોબ પણ નથી કરતા નથી. તેમને કોઈ પાસેથી જાણ થઈ કે સૈનિક સ્કૂલ બાલાચડીમાં જો છોકરો ભણે તો, ત્યાં સેનામાં અધિકારી બનવા શારીરિક, માનસિક અને શૈક્ષણિક રીતે તૈયાર કરવામાં આવે છે. પછીથી ખ્યાલ આવ્યો કે સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવી પડે અને તેમાં પાસ થવું પણ અઘરું હોય છે. આથી તેમણે પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેના ટ્યુશન ક્લાસની શોધખોળ આદરી. અંતે તેમને જાણ થઈ કે સૈનિક સ્કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વીર શહીદ ઋષિકેશ રામાણીની યાદમાં અમદાવાદ ખાતે ‘ઋષિકેશ રામાણી મેમોરિલ’ ટ્રસ્ટ ચાલે છે, જે આ સ્કૂલમાં પ્રવેશ માટે તદન ફ્રીમાં ટ્યૂશન ક્લાસિસ અને માર્ગદર્શન આપે છે. તેમણે પુત્ર હેમલને ત્યાં માર્ગદર્શન માટે મોકલ્યો અને 2014માં પ્રવેશ પરીક્ષા પાસ કરી ધોરણ-6માં પ્રવેશ મેળવ્યો.
આજના યુવાન માટે મોબાઈલ, ગાડી, ફેશનેબલ કપડા, વ્યસન વગેરે પ્રાથમિક જરૂરિયા બની ગયા છે અને તેના વગર જીવન અધુરૂં માને છે, ત્યારે હેમલ અભ્યાસ દરમિયાન આ બધી વસ્તુઓથી દૂર રહ્યો હતો. તેમને માત્ર યુ.પી.એસ.સી. પાસ કરી સેનામાં અધિકારી બનવાનું સપનું દેખાતું હતું. જ્યારે સ્કૂલમાં વાલી સંમેલન હોય ત્યારે તેમના પિતા કરકસર થાય તે માટે એકલા જ આવતા ત્યારે માતૃવાત્સલ્યની ખેવના અધૂરી રહેતી પણ સમજણ ઘણી એટલે બધું સમજે. તે પણ પિતાની સ્થિતિને ધ્યાનમાં રાખી કરકસર કરતો. તેમણે નિષ્ઠા અને મહેનતના સૂત્રને અપનાવી, માત્ર 17 વર્ષની ઉંમરે જ યુ.પી.એસ.સી.(એન.ડી.એ) અને એસ.એસ.બી. પરીક્ષા પાસ કરી આજના યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.