જામનગર શહેરમાં લીમડલાઈન વિસ્તારમાં પતિ ચા લેવા ગયો હતો તે દરમિયાન પત્ની અને પુત્રી લાપતા થઈ જતા પોલીસે માતા અને પુત્રીની શોધખોળ આરંભી હતી. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતો યુવાન ગુરૂવારે ગુમ થઈ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રબાની પાળામાં રહેતા અને ડ્રાઈવિંગ કરતો સલીમ યુનુસ સમા નામનો યુવાન અને તેની પત્ની મુમતાઝ તથા પુત્રી અકસા ત્રણેય બપોરના સમયે જામનગરના તળાવની પાળ વિસ્તારમાં ફરવા ગયા હતાં અને ત્યાંથી ત્રણ વાગ્યાના અરસામાં લીમડાલાઈન નજીક પહોંચ્યા ત્યારે પત્ની મુમતાઝે તેના અને પુત્રી અકસા માટે પતિને ચા લઈ આવવાનું કહ્યું હતું. જેથી પતિ સલીમ હોટલે ચા લેવા ગયો હતો જ્યાંથી ચા લઇને પરત ફર્યો ત્યારે પત્ની મુમતાઝ (ઉ.વ.29) અને પુત્રી (અકશા ઉ.વ.5) બન્ને જોવા મળ્યા ન હતાં. જેથી પતિએ પત્ની અને પુત્રીને શોધખોળ હાથ ધરી હતી તેમજ આજુબાજુમાં પૂછપરછ પણ કરી હતી. પરંતુ, કોઇ વિગત ન સાંપડતા આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે સીટી બી પોલીસે લાપતા થયેલી યુવતી મુમતાઝ અને તેની પુત્રી અકસાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં રહેતો અલ્પેશ રણછોડભાઈ ભેંસદડિયા નામનો યુવાન ગુરૂવારે સવારના સમયે જામનગરના વિકટોરિયા પુલ પાસેથી ગુમ થયો હતો. ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા મિત્ર વર્તુળો અને આજુબાજુના વિસ્તારોમાં અલ્પેશની શોધખોળ આરંભી હતી. પરંતુ અલ્પેશનો પત્તો લાગ્યો ન હતો. જેથી પરિવારજનોએ આજે પોલીસ મથકમાં અલ્પેશ ગુમ થયાની જાણ કરી હતી. જેના આધારે પોલીસે અલ્પેશની શોધખોળ માટે તપાસ આરંભી હતી. અલ્પેશ અંગે કોઇ વિગત મળે તો 97140 15560 અને 9510814092 નંબર ઉપર જાણ કરવા પરિવારજનો દ્વારા અપીલ કરવામાં આવી છે.



