કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં રહેતી મહિલાને તેણીના દિયર સાથેના પ્રેમ સંબંધની પતિને ખબર પડી જતાં યુવાનને વાડીએ બોલાવી મહિલાને તેના પ્રેમી પતિ ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં રહેતા અને ખેતી કરતાં દિલિપ જીણા સરમાળી નામના યુવાનની પત્નિ નયનાબેનને તેણીના દિયર અશ્ર્વિન ઉર્ફે કાળુ સાથે પ્રેમસંબંધ થઇ ગયો હતો અને એક વર્ષથી પત્નિ અને ભાઇ વચ્ચેના પ્રેમ સંબંધની જાણ દિલિપને થઇ ગઇ હતી. તેથી આ અંગેની જાણ પતિને થઇ ગઇ છે તેવી ખબર પડતાં પત્નિ નયનાબેને ગત તા.23ના રોજ બપોરના સમયે તેના પ્રેમી અશ્ર્વિનને ખેતરે બોલાવ્યો હતો અને ત્યાં પતિ દિલિપ સરમાળીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમાં મુંઢ મારમારી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
હુમલામાં ઘવાયેલ દિલિપને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં બનાવની જાણ થતાં હેકો.એચ.કે.મકવાણા તથા સ્ટાફે દિલિપના નિવેદનના આધારે તેની પત્નિ નયનાબેન અને ભાઇ અશ્ર્વિન ઉર્ફે કાળુ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.