ધ્રોલ તાલુકાના ઇટાળા ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતાં યુવાનની પત્નીએ રસોઇમાં ભજિયા બનાવવાની ના પાડતાં દંપત્તિ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મઘ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના અકોલા ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામની સીમમાં આવેલા રમેશભાઇ પટેલના ખેતરમાં મજૂરીકામ કરતાં સાગરભાઇ ઇડલાભાઇ ભીંડે (ઉ.વ.23) નામના યુવકે તેની પત્ની સવિતાબેનને રસોઇમાં ભજિયા બનાવવાનું કહ્યું હતું. પરંતુ પત્નીએ ભજિયા બનાવવાની ના પાડતા દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતાં સાગરે તેના ખેતરની ઓરડીમાં જઇ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઇ ગયા હતા. તેને હોસ્પિટલે સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે તેની પત્ની સવિતાબેન દ્વરારા જાણ કરાતા હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


