જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામમાં રહેતાં માનસિક બિમાર યુવાનને યુવતી સાથે પ્રેમ થયા બાદ લગ્ન થયા હતા પરંતુ લગ્ન પછી યુવતી ઘરે આવતી ન હતી અને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાનું જણાતાં ગુમસુમ રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામમાં રહેતાં વિશાલભાઇ જમનભાઇ મકવાણા (ઉ. વ.30) નામના ત્રણ માસથી માનસિક બિમાર રહેલાં યુવાનને કાજલ સાગઠિયા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ કાજલ સાથે લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ કાજલ લગ્ન બાદ વિશાલના ઘરે આવતી ન હતી અને એક પછી એક વાયદાઓ કરતી હતી. દરમ્યાન કાજલને અન્ય યુવાન સાથે પ્રેમ થઇ ગયો હોવાનું જણાા વિશાલ થોડાં દિવસોથી ગુમસુમ રહેતો હતો. ગત્ તા. 29ના રોજ બપોરના સમયે વિશાલે તેના ઘરે ઉપરના માળે આવેલી ઓરડીમાં લાકડાની આડીમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિશાલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની મૃતકના ભાઇ એડવોકેટ દિવ્યેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. એમ. કંચવા તથા સ્ટાફએ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.


