જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતી યુવતીને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની અવાર-નવાર શંકા કરતા પતિએ પત્નીનો મોબાઇલ ચેક કરતા અન્ય પુરૂષનો મેસેજ જોઇ જતા પત્ની ઉપર કેટરસમાં ઉપયોગમાં લેવાતા લોખંડના તાવીથાથી માથા ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલા વૃંદાવન-1 માં શેરી નં.4 માં રહેતી જલ્પાબેન ચિતારા (ઉ.વ.24) નામની યુવતીને અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાની શંકા કુશંકા અવાર-નવાર તેનો પતિ પ્રતિક કરતો હતો અને પત્ની ઉપર શંકા તથા વહેમની દ્રષ્ટિ રાખતો હતો. આ દરમિયાન પ્રતિક તેની પત્ની જલ્પાનો મોબાઇલ ચેક કરતો હતો તે દરમિયાન અન્ય પુરૂષનો વોટસએપમાં મેસેજ જોઇ જતાં ઉશ્કેરાયેલા પતિએ કેટરસમાં ઉપયોગમાં લેવાતા લોખંડના તાવીથા વડે માથામાં ત્રણ ઘા ઝીંકી હુમલો કર્યો હતો. હુમલામાં લોહીલુહાણ થયેલી પત્ની જલ્પાબેનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ જલ્પાબેનના નિવેદનના આધારે તેણીના પતિ પ્રતિક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.