જામનગર શહેરમાં નિલકમલ સોસાયટીમાં રહેતી મહિલા સાથે તેણીના પતિ દ્વારા છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી કોઇપણ બાબતે બોલાચાલી અને ઝઘડો કરી દુ:ખત્રાસ આપતો હતો. દરમિયાન મહિલા તેની બહેનના ઘરે રોકાવા ગઈ ત્યારે રૂા.2,50,000 સાથે લઇ ગઈ હોવાની શંકા કરી અપશબ્દો બોલી છરી વડે તથા લાકડાના પાટીયા વડે માર મારી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકમલ સોસાયટીમાં રામાપીરના મંદિર પાસેના જાગૃતિ નગરમાં રહેતાં વર્ષાબા હરપાલસિંહ જાડેજા નામના મહિલાને તેણીના પતિ હરપાલસિંહ દ્વારા છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી કોઇપણ બાબતે બોલાચાલી અને ઝઘડો કરી દુ:ખ ત્રાસ આપતા હતાં. તેમજ મહિલા જૂનાગઢમાં રહેતી તેની બહેનના ઘરે રોકાવા ગઈ તે દરમિયાન તેણીના પતિએ મહિલા રૂપિયા અઢી લાખ સાથે લઇ ગઇ હોવાની શંકા રાખી પત્ની સાથે બોલાચાલી તથા ઝઘડો કરી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ પતિએ છરી વડે પત્નીને હાથ તથા પગમાં ઘા મારી લાકડાના પાટીયા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં મહિલાએ જાણ કરતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે વર્ષાબાના નિવેદનના આધારે તેણીના પતિ હરપાલસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.