કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા મયુર દેવાભાઈ બાબરીયા નામના 25 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન આ જ ગામના ફરજન અલી (મૌલાના) ની દુકાને ઉધાર માવો (ફાકી) લેતા હોય જેથી દુકાનદાર ફરજનઅલીએ મયુરને ઉધાર ફાકી આપવાની ના કહી હતી. બાદમાં મયુર દૂધ લેવા જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ખુરશી નાખીને બેઠેલા આરોપી ફરજન અલી સાથે સાઈડમાં બેસવા બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપી ફરજન અલી તથા તેની સાથે અન્ય આરોપી સલુભાઈ હસનભાઈ અને હનીફભાઈ સલુભાઈ નામના ત્રણ શખ્સોએ હડધૂત કરી, ફરિયાદી તથા તેમના માતાને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી અપમાનિત કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ બનાવ બાદ મયુર બાબરીયાને ડર લાગતા તેણે પોતાના ઘરમાં રહેલું ફિનાઈલ નાવદ્રા ગામમાં આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનમાં જઈ અને પોતાના હાથે પી લીધું હોવાનું પણ મયુર બાબરિયાની પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણ પૂર્વે ગત તારીખ 23 મીના રોજ સામા પક્ષે મૂળ પશ્ચિમ બંગાળના એજલપુર તાલુકાના વતની અને હાલ નાવદ્રા ગામે રહેતા ફરજન્દઅલી તફીજઝુર રહેમાન સોફિફત શેખ (ઉ.વ. 21) એ મયુર દેવાભાઈ બાબરીયા અને દેવાભાઈ બાબરીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી પાન-માવાની દુકાન ચલાવતા હોય તે દરમિયાન આરોપી મયુર અવારનવાર કોઈ બાબતનો ડર બતાવી અને બળજબરીપૂર્વક માવો આપવા તથા ફરિયાદીને ગાળો આપી જતા ફરિયાદીએ ઉધારી આપવાની ના કહી દીધી હતી. જેથી ફરિયાદીને મયુરે બિભત્સ ગાળો કાઢી, પતાવી દેવાની ધમકી આપી, હાથમાં લાકડી લઈ અને તેની સાથે આવેલા અન્ય આરોપી દેવાભાઈએ ફરિયાદી ફરજન્દઅલી શેખને દુકાન મૂકીને ભાગી જવા માટેની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 504, 385, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એસ.એમ. હુણ દ્વારા હાથ વધારવામાં આવી છે.